Press "Enter" to skip to content

ક્લાસ ઑફ ‘૮૩ : ‘માસ બન્ક’ જ ઉદ્ધાર! – Film Review of Netflix original ‘Class of 83’ by Parakh Bhatt

‘બાર્ડ ઑફ બ્લડ’ અને ‘બેતાલ’ પછી શાહરૂખ ખાનના રેડ ચિલીઝ પ્રોડક્શન હાઉસની ત્રીજી નેટફ્લિક્સ પેશકશ એટલે, ક્લાસ ઑફ ‘૮૩! આવી ફિલ્મો જોયા પછી ખરેખર બીક લાગવા માંડે કે ક્યાંક ભારતીય પ્રોડક્શન હાઉસ નેટફ્લિક્સને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવાનું શરૂ ન કરી દે તો સારું! શાહરૂખ ખાનની ફિલ્મો નથી ચાલી રહી એ હવે ભૂતકાળ થઈ ગયો. આજકાલ હવે તેના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી કૃતિઓ પણ સાવ નિમ્ન સ્તરની લાગવા માંડી છે. એમાંય બોબી દેઓલને મુખ્ય કિરદારમાં કાસ્ટ કરવો એટલે પથ્થર પાસે અભિનય કરાવવો! મૂળ વાર્તા હુસૈન ઝૈદીની અંગ્રેજી નવલકથા ‘ક્લાસ ઑફ ૮૩’ પર આધારિત છે, જે ૨૦૧૯ની સાલમાં પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. હુસૈન ઝૈદી પોતે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ રહી ચૂક્યા છે. મુંબઈ અંડરવર્લ્ડ સાથે એમનો નાતો પણ ઘણો ગાઢ રહ્યો છે. સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પણ હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વિન્સ ઑફ મુંબઈ’ પરથી બનવા જઈ રહી છે.

૧૯૮૩ની સાલની વાત છે. નાસિક ખાતે ચાલી રહેલી મુંબઈ પોલીસ ટ્રેનિંગમાં પાંચ નવયુવાનો વિષ્ણુ વર્દે (હિતેશ ભોજરાજ), અસલમ ખાન (સમીર પરાંજપે), લક્ષ્મણ જાધવ (નિનદ મહાજની), જનાર્દન સુર્વે (પૃથ્વિક પ્રતાપ) અને પ્રમોદ શુક્લા (ભુપેન્દ્ર જદાવત)ને ડીન વિજય સિંહ (બોબી દેઓલ) દ્વારા તાલીમ આપવામાં આવે છે. લૉ એન્ડ ઑર્ડરની ચિંતા કર્યા વગર એમને અપરાધી અને અંડરવર્લ્ડ ક્રિમિનલ્સને ઠાર મારવાની મૌખિક મંજૂરી મળી જાય છે. ડીન વિજય સિંહનો પોતાનો અલગ ભૂતકાળ છે. ’૮૩ની બેચના પોતાના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપ્યા બાદ એમની વાર્તા ૧૯૮૬ની સાલ સુધી ખેંચાય છે, જેમાં એક સમય પર નવા વળાંકો આવે છે.

’ક્લાસ ઑફ ૮૩’ના ડિરેક્ટર અતુલ સભરવાલ ભૂતકાળમાં ‘ઔરંગઝેબ’ જેવી નબળી અને વાહિયાત ફિલ્મ આપી ચૂક્યા છે. એમની પાસેથી ઝાઝી અપેક્ષા નહોતી રાખી, જે સારું જ થયું! બોલિવૂડ ફિલ્મ-મેકર્સ ૮૦-૯૦ના દાયકાની પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મો બનાવવામાં મોટેભાગે નિષ્ફળ જ નીવડ્યા છે. અતુલ સભરવાલે એ ફરી સાબિત કર્યુ છે.

અભિજીત દેશપાંડેનુ રાઇટિંગ લસ્ત છે. એક ટિપીકલ સીનના ટિપીકલ ડાયલોગમાં બોબી દેઓલ કહે છે, ‘ક્યા કરું! મેરા (બ્લડ ગ્રુપ) બી પોઝિટિવ હૈ!’ ક્લિશે ડાયલોગની ભરમાર અને સુસ્ત સ્ક્રીનપ્લેને કારણે રીતસરના હથોડા વાગ્યા છે.

અલ્ટીમેટલી, દોઢ કલાકની ટૂંકી ફિલ્મ પણ ઘડિયાળના કાંટા ગણવા મજબૂર કરી દે એટલી બોરિંગ લાગવા માંડે છે. પાંચ નવોદિત અભિનેતાઓના પર્ફોમન્સ બિરદાવવા પડે એવા છે, પરંતુ ફિલ્મની ઑવરઓલ નબળાઈ એમના પર્ફોમન્સને પણ કચડી નાંખે છે! વિજુ શાહના બેકગ્રાઉન્ડ સ્કોર અને મારિયો પૉલિજેકની સિનેમેટોગ્રાફીએ થોડોઘણો રંગ રાખ્યો છે, બાકી બોબી દેઓલના કોરા-સપાટ ચહેરાને કારણે આ ફિલ્મ અસહનીય છે!

ક્લાયમેક્સ : ‘ઝી ફાઈવ’ પર નસીરૂદ્દીન શાહ સ્ટારર ‘મી રક્સમ’ પણ રીલિઝ થઈ છે. કેવી લાગી તે કહેજો જરા!

કેમ જોવી? : મુંબઈ અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલી સત્યકથાથી વાકેફ થવા માટે!

કેમ ન જોવી? : પોતાના સમયની કદર કરતા હો તો!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

More from EntertainmentMore posts in Entertainment »
error: Content is protected !!