Press "Enter" to skip to content

વડોદરાઃ SSG હોસ્પિટલમાંથી કોરોનાના દર્દીને અઢી કિ.મી. દૂર લઈ જવા ખાનગી એમ્બ્યુલન્સનો ચાર્જ રૂ. 2000

  • ડો. વિનોદ રાવની કોવિડ એક્શન ટીમ આઈસીયુ અને બેડની વ્યવસ્થામાં વ્યસ્ત બાકીની અન્ય બાબતોમાં લોલમલોલ.  
  • સયાજી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ સાથે સાંઠગાંઠ ધરાવતાં ખાનગી એમ્બ્યુલન્સવાળાઓ દ્વારા ચાલતી ઉઘાડી લૂંટ.
  • બસ ડેપો બહાર મુસાફરો શોધતાં રીક્ષાવાળાઓની માફક, સયાજી હોસ્પિટલમાં દર્દી શોધવા રખડતાં એમ્બ્યુલન્સવાળા.

@મેહુલકુમાર વ્યાસ. સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટીવ દર્દીને દાંડીયાબજાર સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવા માટે ખાનગી એમ્બ્યુલન્સવાળાએ રૂ. 2000 લીધા હતાં. માત્ર અઢી – ત્રણ કિ.મી દૂર આવેલી ખાનગી હોસ્પિટલ સુધી જવાના અધધ નાણાં લેનાર એમ્બ્યુલન્સવાળાએ નાણાં સ્વિકાર્યા અંગેની પાવતી પણ આપી હતી.

કોરોના મહામારીના મામલે રાજ્ય સરકાર નિયુક્ત OSD ડો. વિનોદ રાવની કોવિડ એક્શન ટીમ હોસ્પિટલમાં બેડની અને આઈસીયુ જેવી વ્યવસ્થામાં ખૂબ જ એક્ટિવ છે. પરંતુ, અન્ય ઘણી બાબતો પર ધ્યાન આપવામાં આવતું નથી જેને પરીણામે દર્દીઓ અને તેમના સગાંઓને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે.

સેન્ટ્રલ બસ ડેપોમાં જેવી રીતે મુસાફરોને શોધવા રીક્ષાવાળાઓ દોડાદોડ કરતાં હોય છે, તેવી જ રીતે સયાજી હોસ્પિટલમાં જીવતાં – મરેલાં દર્દીને શોધવા માટે ખાનગી એમ્બ્યુલન્સવાળાઓ સંકુલમાં અહીંથી તહીં રખડપટ્ટી કરતાં હોય છે. કેટલાંક તબીબો અને સ્ટાફના માણસો સાથે સાંઠગાંઠ કરી વર્દી પોતાને મળી રહે તેની પણ ગોઠવણો કરાતી હોય છે.

હાલ કોરોના મહામારીના સમયમાં ખાનગી એમ્બ્યુલન્સવાળા કોવીડ ઓપીડી ઉપરાંત એન.સી.ઓ.ટી., પી.એમ. રૂમ આસપાસ આંટા મારતાં જોવા મળતાં હોય છે. મુસીબતમાં સપડાયેલા દર્દી અને તેના સગાંવાળાની મજબૂરીનો ખાનગી એમ્બ્યુલન્સવાળા ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છે. દર્દીને ખસેડવાની જરૂર પડે એટલે ઘણાં સંજોગોમાં તબીબ કે સ્ટાફની વ્યક્તિ ફોન કરીને ખાનગી એમ્બ્યુલન્સવાળાને બોલાવી લેતાં હોય છે. તો કેટલાંક કિસ્સામાં દર્દીના સગાંને ખાનગી એમ્બ્યુલન્સવાળા સામેથી ભટકાઈ જતાં હોય છે.

કોરોના મહામારી પૂર્વે ખાનગી એમ્બ્યુલન્સવાળા એક વર્ધીના રૂ. 500થી 700માં જવા તૈયાર થઈ જતાં હતાં. જોકે, હાલના સંજોગોમાં એમણે પોતાના ભાવ ત્રણથી ચાર ગણા વધારી નાંખ્યા હોવાનું જાણવા મળે છે. તેમાંય ખાનગી એમ્બ્યુલન્સવાળાઓ અંદરોઅંદર એક થઈ મજબૂર વ્યક્તિનાં ખિસ્સા ખંખેરવાનો કારસો રચતાં હોવાનું પણ કહેવાય છે.

આજરોજ એક કોરોના પોઝિટીવ દર્દીને સયાજી હોસ્પિટલથી દાંડીયા બજાર ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનો હતો. તેના માટે દર્દીના સગાં પાસેથી ખાનગી એમ્બ્યુલન્સવાળાએ રૂ. 2000 ચાર્જ વસૂલ્યો હતો. અને આ અંગેની પાવતી પણ પકડાવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાના મૃતકને સ્મશાન સુધી લઈ જવાના ઉપયોગમાં લેવાતી સરકારી એમ્બ્યુલન્સને વારંવાર સેનિટાઈઝ કરવામાં આવતી હોય છે. જોકે, કોરોના પોઝિટીવ દર્દીની વર્ધી લેનાર ખાનગી એમ્બ્યુલન્સવાળાઓ કોઈ ચોક્કસ તકેદારીઓ રાખે છે કે કેમ? તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.

More from HealthMore posts in Health »

Comments are closed.

error: Content is protected !!