Press "Enter" to skip to content

સાહબ ઇન પૈસો કા ક્યાં કરૂ ખાના દો મેરે પેટ મેં બચ્ચા હૈં કલ રાત સે સિર્ફ દો બિસ્કીટ ખાયા હૈં ઉસને…..

ચિંતન શ્રીપાલી , વડોદરા. લોકડાઉન4.0 સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. ભારતમાં દિન પ્રતિદીન કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે લોકડાઉન4.0 પહેલા ધંધો રોજગાર ઠપ્પ થઇ જતા પરપ્રાંતિઓ પોતાના વતન જવા માટે કાળઝાળ ગરમીમાં ઉધાડા પગે તો કેટલાક રૂપિયા ખર્ચી ભૂખ્યા તરસ્યા ભાડાના વાહનમાં તો કેટલાક સાયકલ પર ઘરે(વતન) જવા માટે નિકળી પડ્યાં હતા.

જોકે આ બાબત દિલ્હી સરકારના ધ્યાને આવતા તાત્કાલીક ધોરણે પરપ્રાંતિઓને તેમના વતન મોકલવાની ગત તા. 1 મેના રોજ મોડી રાત્રે મંજૂરી આપી હતી. આ ખબર સાંભળી ગુજરાતના વિવિધ શહેરોમાં વસતા પરપ્રાંતિઓમાં ભારે નિરાશા બાદ એક અનોખી ખુશી છલકાઇ હતી અને સવારે દક્ષીણ ગુજરાતથી લકઝરી, ટેમ્પો અને આઇસરમાં લોકો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વતનમાં જવા માટે અંદાજીત 3થી 4 હજાર રૂપિયા ભાડુ ખર્ચી ગાડીમાં બેંસી ગયા હતા.

પરંતુ આમને ક્યાં ખબર હતી કે મધ્યપ્રદેશ પહોંચતા પહેલા જ તેમને પાછા ધકેલી દેવામાં આવશે. પરપ્રાંતિઓને વતન મોકલવાનો નિર્ણય મોડી રાતે લેવામાં આવ્યો હતો. જેની જાહેરાત પણ સોશીયલ મીડિયામાં ટ્વીટ કરીને આપવામાં આવી હતી. જે રાતો રાત ન્યૂઝ ચેનલોની હેડલાઇન બની ગઇ હતી અને પરપ્રાંતિઓ વતન જવા નિકળી પડ્યાં હતા.

ભર તડકે ભૂખ્યા તરસ્યા નાના બાળકોને લઇ માતા-પિતા વતન જવા માટે નિકળ્યા હતા. જોકે અગાઉ કહ્યું એમ દક્ષીણ ગુજરાતથી મધ્યપ્રદેશ પહોંચેલા તમામ વાહનોને એમ.પીની સરહદ પહેલાથી જ પરત મોકલવામાં આવી રહ્યાં હતા. એક તરફ નિરાશ અને બીજી તરફ ભુખ અને તરસ હતી. આની સાથે નાના બાળકો અને ગર્ભવતિ મહિલાઓ પણ આ પીડા ચુપચાપ સહન કરી રહીં હતી કે સરકાર કંઇક રસ્તો કરશે અને અમે અમારા પરિવાર પાસે વતને પહોંચીશું. પરંતુ સદનસીબે દક્ષીણ ગુજરાતથી નિકળેલા તમામ વાહનો મધ્યપ્રદેશ સરહદ પરથી ધકેલાતા વડોદરા આવી ગાડીઓના પઇડા થંભી ગયા હતા.

એક તરફ ઘરે વહેલા પહોંચવાની આશા તો નિરાશામાં તબદીલ થઇ ગઇ હતી. તો બીજી તરફ આ પરપ્રાંતિઓને ભૂખ અને તરસ સતાવી રહીં હતી. જોકે આ તમામ દ્રશ્યો કેદ કરવા માટે હું વહેલી સવારથી જ મારી બુલેટ પર નિકળી પડ્યો હતો. રસ્તામાં મારા કેટલાક પત્રકાર અને ફોટોગ્રાફર મિત્રો સાથે ભેટો થયો હતો.

અમે અમારૂ કામ કરવા માટે નેશનલ હાઇવે પર હતા. ત્યારે વડોદરા સ્થિત ગોલ્ડન ચોકડી નજીક એરફોર્સ સ્ટેશન પાસેના એક ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં લકઝરી બસ અને આઇસર ટેમ્પો ઉભેલા જોવા મળ્યાં હતા. આ જોતા અમે રોકાઇ ગયા અને મેદાનમાં લોકોની નજીક પહોંચ્યાં હતા. ત્યારે કેટલાક જમવાની શોધમાં હતા અને કેટલાક નિરાશ થઇ માત્ર પીવાનુ પાણી મળી રહેં તેની શોધમાં હતા. તેવામાં હું ચાલતો આગળ વધી રહ્યો હતો અને બે મહિલાઓ મારી એકદમ સામે આવી ગઇ, જેમાંથી એક મહિલાએ માત્ર સામે જોતા હું તેની વેદના સમજ્યો પણ એ અધુરી હતી.

જેથી મેં મારી બેગમાંથી એક પાણીની બોટલ કાઢી તેને આપી દીધી હતી. મહિલાએ પાણીની બોટલ લઇ જાણે વર્ષોની તરસી હોઇ તે રીતે બોટલ મોઢે માંડી એક જ શ્વાસે પાણી પી ગઇ હતી. હજી મહિલાની તરસ સંપૂર્ણ પણે શાંત નહોતી થઇ, પરંતુ હવે મારી પાસે રોકડા રૂપિયા તેને આપવા સિવાય કશું ન્હોતું. જેથી પાકિટમાંથી રૂ. 500ની નોટ કાઢી મેં મહિલાના હાથમાં આપી કહ્યું આ રૂપિયા રાખો રસ્તામાં કામ લાગશે, મહિલાને આપેલી રૂ. 500ની નોટ તેણે હાથમાં તો લીધે પણ બીજી જ ક્ષણે મારા હાથમાં નોટ પાછી આપી અને બે હાથ જોડે કહ્યું સાહબ ઇન પૈસો કા ક્યાં કરૂ ખાના દો મેરે પેટ મેં બચ્ચા હૈં કલ રાત સે સિર્ફ દો બિસ્કીટ ખાયા હૈં ઉસને…..

આ ઘટના 22 દિવસ પહેલાની છે, તમને થતું હશે આજે આ લખવાનો શું અર્થે ? આ ઘટના આજે એટલે લખવામાં આવી રહીં છે કારણ કે, છેલ્લા 22 દિવસથી મારા જેવા અનેકને એવી આશા હતી કે આ પરપ્રાંતિઓની મુશ્કેલી અને તકલીફનો અંત વહેલી તકે સરકાર લાવશે. પરંતુ એવુ ના થયું અને આજે એક મિત્રએ સોશીયલ મીડિયા પર વાઇરલ થયેલો વીડિયો બતવ્યો હતો. જેમાં એક વ્યકિત ભુખથી એટલો પીડઇ રહ્યો હતો કે તે રસ્તા પર મૃત્યુ પામેલા શ્વાનનુ માસ ખાવા પર મજબૂર બની ગયો હતો. જોકે આ વીડિયો અહીં મુકવો યોગ્ય નથી.

આ દુખઃદ અને હચમચાવી નાખનાર વીડિયો જોયા બાદ ઉપરોક્ત ઘટનાનો ઉલ્લેખ કરવાનો નિર્ણય કર્યો.જેથી  આંખે કાળી પટ્ટી બાંધી બેઠેલી સરકાર અને તેમના અધિકારીઓની જો આંખો ખુલે તો ભૂખથી પીડાતી આવી અન્ય ગર્ભવતિ માતાને તેના બાળક માટે પુરતુ ભોજન સમયસર મળી તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને હવે પછી કોઇ વ્યકિત આ લોકડાઉનમાં ભુખથી પીડાઇને રસ્તા પર મરણ પામેલા શ્વાનનુ માસ ખાવા પર મજબૂર ન બને…

More from UncategorizedMore posts in Uncategorized »
error: Content is protected !!