Press "Enter" to skip to content

LIVE WIRE – જાણો, સુશાંત કેસનાં ગુજરાતી કનેક્શન સહિતની રોચક માહિતી

(૧) રિઝર્વ બેંક ઑફ કૈલાસ..!

સ્વામી નિત્યાનંદને ઓળખો કે નહીં? હા, સહી પકડે. એ જ પાખંડી કે જેના પર પોતાની ઘણી બધી સ્વામિનીઓ સાથે અશ્લીલ હરકતો કરી રહ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. બાબો હવે પાછો માર્કેટમાં આવી ગયો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર નિતનવા વીડિયો અપલોડ કરીને તૂત ઉભા કરવાના તેના પ્રયત્નો હજુ પણ ચાલુ છે. હમણાં તેણે એક નવું ગતકડું કાઢ્યું છે, જેનું નામ છે : રિઝર્વ બેંક ઑફ કૈલાસ! જોવા જેવી વાત એ છે કે ભારતીયો માટે તેના આ વીડિયો હવે લાફ્ટર-ડોઝનું કામ કરી રહ્યા છે. તાજેતરમાં તેણે એવો દાવો કર્યો છે કે, ૧૦૦ થી વધારે પુસ્તકો અને ૩૬થી વધારે રીસર્ચ પેપરના અભ્યાસ બાદ તેણે હિંદુ ઇકોનોમિક પોલિસી પર પૃથક્કરણ કર્યુ છે. તારણ સ્વરૂપે, તેણે ‘કૈલાસ’ નામે પોતાની એક અલાયદી બેંક કરન્સી ઉભી કરી છે. પોતાની આ સ્વરચિત બેંકને તેણે નામ આપ્યું છે : બેંક ઑફ કૈલાસ! એમ કંઈ કોઈ વ્યક્તિ અચાનક ઊંઘમાંથી ઉઠીને પૈસા છાપવા માંડે તો દેશની પથારી ફરી જાય સાહેબ! નિત્યાનંદ ૪ ડિસેમ્બર, ૨૦૧૯ના દિવસે ભારતમાંથી પલાયન થયો અને તેણે ‘ટોબેગો’ નજીક પોતાનો પ્રાઇવેટ ટાપુ ખરીદ્યો, જ્યાં બેસીને તે આવી બધી કપોળકલ્પિત વાતો કરતો રહે છે.

એક ચટાકેદાર વાત કહું? આપણા વડાપ્રધાન મોદીસાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે એટલે કે ૨૦૦૭ની સાલમાં ‘નિત્યાનંદ જયંતી’ પર નિત્યાનંદને મળવા પહોંચી ગયા હતાં! ફક્ત એટલું જ નહીં, યેદિયુરપ્પા સહિતના પુષ્કળ નામાંકિત નેતાઓ આ ધૂતારા સાથે સ્ટેજ શેર કરી ચૂક્યા છે. ગજબ છે નહીં, આ બાબો? જે કહેવું એ કહી લો, સાહેબ.. પણ એક વાત જાણીને તમને આશ્ચર્ય થશે કે બળાત્કારી નિત્યાનંદ આજે પોતાની યુટ્યુબ ચેનલમાંથી ૮૨,૦૦૦ ડોલર કમાઈ રહ્યો છે! આ આંકડો જૂનો હશે એમ માનવાની ભૂલ નહીં કરતા. ગયા મહિને એટલે કે ઑગસ્ટ, ૨૦૨૦માં નિત્યાનંદ આટલું કમાયો છે એવું અમે નહીં, યુટ્યુબ સરવે કહે છે! માનો કે ન માનો, તેની આ કમાઈ પાછળ ભારતીય વ્યુઅર્સ જ જવાબદાર છે… લોલ!

(૨) એફ.આઈ.આર. (FIR) વિશે તમે કેટલુંક જાણો છો?

ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ. FIR. આ ફૂલ-ફોર્મ કદાચ બહુ જ ઓછા લોકોને ખ્યાલ હશે. કાયદાકીય રીતે કોઈ આંટીઘૂટીનો સામનો કરવાનો વખત આવે ત્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન પર જઈને પહેલુંવહેલું કામ એફ.આઈ.આર. નોંધવાનું કરે છે. અચ્છા, માનો કે પોલીસ તમારી એફ.આઈ.આર. દર્જ કરવાની ના પાડી દે તો શું કરવાનું બોસ? ઘણી વખત અમીર નબીરા અથવા લાગવગ ધરાવતી વ્યક્તિને બચાવવા માટે પોલીસ આવા બધા પેંતરા અજમાવતી હોય છે. યેનકેન પ્રકારેણ ફરિયાદીને રવાના કરીને ઘરે મોકલી દે છે અને બાદમાં સબૂતો સાથે છેડછાડ થયા હોવાના ઘણા કિસ્સાઓથી આપણે સારી રીતે વાકેફ છીએ.

આવી પરિસ્થિતિમાં ફરિયાદી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે જઈને ફોર્મલ ફરિયાદ નોંધાવી શકે છે. જે વિસ્તારમાં દુર્ઘટના બની હોય, એ સિવાયના વિસ્તારોના પોલીસ સ્ટેશનોમાં અધિકારી ફરિયાદીની ફરિયાદ નોંધવાની મનાઈ ફરમાવી શકે છે. ફક્ત નોંધનીય ગુનાઓ (જેવા કે બળાત્કાર, ખૂન, દંગા-ફસાત, ચોરી વગેરે) માટે એફ.આઈ.આર. નોંધાવી શકાય છે. એ સિવાયના ક્રાઇમની યાદીમાં દગો કરવો, ભાવતાલમાં ગ્રાહકોને છેતરવા વગેરે ગુના ઉપરોક્ત કેટેગરીમાં આવતાં નથી. બીજી બાજુ, એફ.આઈ.આર. નોંધાવવા માટે લૉકેશન અથવા જ્યુરિડિક્શનલ હદ્દનું ઝાઝુ મહત્વ નથી. ગંભીર ગુના વખતે ફરિયાદી પોતાની નજીકના કોઈપણ સ્ટેશન પર જઈને એફ.આઈ.આર. નોંધાવી શકે તેવી છૂટ ભારતના બંધારણે પોતાના પ્રત્યેક નાગરિકને આપી છે.

(૩) સુશાંત કેસનું ગુજરાતી કનેક્શન!

યસ્સ! સુશાંત સિંઘ રાજપૂતના કેસમાં એકથી વધારે ગુજરાતી કનેક્શન જોડાયેલા છે એ આપ જાણો છો ખરા? હાલ સુશાંતના કેસની છાનબીન કરી રહેલી સીબીઆઈ ટીમ હાઈ-પ્રોફાઇલ કેસ ઉકેલવા માટે ઘણી જાણીતી છે. એજન્સીના ચોથા ક્રમના એન્ટી કરપ્શન યુનિટના આ સભ્યો સીબીઆઈમાં ટોચનું સ્થાન ધરાવે છે. ફક્ત એટલું જ નહીં, ભૂતકાળમાં તેઓ વિજય માલ્યા કેસ, કોલસા કૌભાંડ, અગસ્તા વેસ્ટલેન્ડ સહિતના કેસો હેન્ડલ કરી ચૂક્યા છે. આ ટીમની સૌથી સીનિયર વ્યક્તિ એટલે કે જોઇન્ટ ડિરેક્ટર મનોજ શશિધર ૧૯૯૪ની બેચના આઈ.પી.એસ. ઓફિસર છે, જેણે ફેબ્રુઆરી ૨૦૨૦માં સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટરની પદવી સંભાળી. તેઓ ભૂતકાળમાં વડોદરાના પોલીસ કમિશ્નર રહી ચૂક્યા છે.

જોઇન્ટ પોલીસ કમિશ્નર ઑફ અમદાવાદ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી એમણે સોલ્વ કરેલા હાઇ-પ્રોફાઇલ કેસોની સંખ્યા ખાસ્સી વધારે છે. બીજા ક્રમે આવે છે, ગગનદીપ ગંભીર કે જેઓ હાલ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલની પદવી પર બિરાજી રહ્યા છે. તેઓ ૨૦૦૪ની સાલના ગુજરાત કેડરના આઈ.પી.એસ. ઓફિસર છે, જે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ‘સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ’ની પોસ્ટ પર ફરજ નિભાવી ચૂક્યા છે. ૨૦૧૬ની સાલમાં એમણે સી.બી.આઈ. જોઈન કરી અને વિજય માલ્યા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ વિરૂદ્ધ લગાવવામાં આવેલા ગેરકાયદેસર ખાણ (કોલસા) ખોદકામ સ્કેમ પર જાંચ કરી ચૂક્યા છે.

ત્રીજા ક્રમે છે, અનિલ કુમાર યાદવ! જેઓ ૨૦૧૮ની સાલના ઉત્તરપ્રદેશ કેડરના આઇ.પી.એસ. ઑફિસર છે. તેઓ ભૂતકાળમાં કોમનવેલ્થ ગેમ્સ સ્કેમ, શોપિયન રેપ કેસ અને વિજય માલ્યા કેસ પર કામ કરી ચૂક્યા છે. ત્યારબાદ આવે છે, નુપુર પ્રસાદ. બિહારના સાલેમપુર ગામમાંથી આવતાં આ આઇ.પી.એસ. અધિકારી ભૂતકાળમાં દિલ્હીના શાહદરાના ’ડેપ્યુટી કમિશ્નર ઑફ પોલીસ’ રહી ચૂક્યા છે. સીબીઆઈ એજન્સીના અંદરના વર્તુળમાં લોકો એમને ’સુપર-કૉપ’ તરીકે ઓળખે છે. તેમણે પણ વિજય માલ્યા અને અગસ્તા વેસ્ટલેન્ડ કેસની જાંચ કરી હતી. આટલા બાહોશ ઑફિસર્સ આ કેસમાં રીક્રુટ થયા છે એટલે સત્ય તો બહાર આવશે જ… હોપફુલી! બસ, મીડિયા અત્યારે જે પ્રકારે ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસરની ભૂમિકામાં આવી ગઈ છે ત્યાંથી થોડી પીછેહઠ કરવાની જરૂર છે.

(૪) ડિજિટલ ઉપવાસનું ટાણું!

રીસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે કે, ૨૦ ટકા જેટલા સ્માર્ટફોન યુઝર દિવસના ૪ કલાક ૩૦ મિનિટ પોતાના ફોન પર પસાર કરે છે. આ સમયની અંદર નેટફ્લિક્સ અથવા અન્ય કોઈ ઑટીટી પ્લેટફોર્મ પર વેબસીરિઝ-ફિલ્મો જોવાનો સમય સામેલ કરવામાં નથી આવ્યો! વ્યક્તિ એક દિવસમાં સરેરાશ ૫૮ વખત પોતાનો ફોનનો સ્ક્રીન અનલૉક કરે છે! આથી મનોચિકિત્સકોએ કરેલા સંશોધનમાં એ વાત બહાર આવી છે કે પોતાના ફોનથી ફક્ત ૯૦ સેકન્ડ (દોઢ મિનિટ) દૂર રહેતા માણસને ખાલીપો વર્તાવાનું શરૂ થઈ જાય છે. તે પોતાની જાતને એકલી મહેસૂસ કરવા માંડે છે! ૯૫ ટકા ટેક્સ્ટ મેસેજના જવાબ ફક્ત ૩ મિનિટની અંદર આપી દેવામાં આવે છે. જ્યાં સુધી તે સામેવાળી વ્યક્તિના મેસેજનો રિપ્લાય ન આપે ત્યાં સુધી યુઝરને ચેન નથી પડતું હોતું!

આમ ને આમ ચાલતું રહ્યું તો એવો દિવસ દૂર નથી જ્યારે વ્યક્તિને ડિજિટલ ડિટૉક્સની જરૂર પડવા માંડે! અત્યારથી આ પ્રકારના ડિજિટલ ઉપવાસ કરતા નહીં શીખીએ તો આગળ જતાં અવનવા મનોરોગનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે, એ નરી વાસ્તવિકતા છે.

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

More from LiteratureMore posts in Literature »

Comments are closed.

error: Content is protected !!