Press "Enter" to skip to content

બાલીના ઉલૂવાતું મંદિરમાં પ્રવેશ કરવા માટે કોઈ જ ટૂંકા કે કઢંગા વસ્ત્રો નહીં, આપે સેરોંગ ધારણ કરવાનું હોય છે – ડો. મીતલ મકરંદની કલમે

બ્યુટીફૂલ બાલીની સફરના શબ્દ-સ્ફરીઓ….. આપે ગતાંકમાં ‘બાલી’ના દક્ષિણ કુતામાં આવેલ ઉલૂવાતું મંદીરની મુલાકાતે હતા !! મંદીર પ્રવેશ નિયમ પ્રમાણે, કોઈ જ ટૂંકા કે કઢંગા વસ્ત્રો નહીં પણ, આપે ‘સેરોંગ’, ધારણ કરવાનું રહે છે, એટલે કે લૂંગી અને એક ખેસ, જે આપને મોટાભાગે દરેક મંદિરના પ્રવેશદ્વાર પર નિશુલ્ક ઉપલબ્ધ રેહશે.

મંદીરમાં જયારે આપ ફરતા હોય ત્યારે ભોંયતળીયે પડેલા ફૂલ, પૈસા અને દાણા પર પગ ન મૂકવો, આ આસ્તીકોએ પોતાના પૂર્વજો માટે વેરેલી ભેંટ છે, તેના પર પગ દેવાથી તેમની લાગણી દૂભાશે! સ્થાનિક લોકોની ઉપાસના ચાલી રહેલી હોય, ત્યારે તેમને અવગણીને તેમના ફોટા ન લેવા! ઇન્ડોનેશીયનો અતિ સંવેદનશીલ અને શાંત સ્વભાવના છે, સૌથી ધ્યાનમાં, લેવા જેવી બાબત એ છે કે પરસ્પર ધીમેથી વાતો કરવી!

સંધ્યાની લાલીમાંના ઉગવાના ટાણે, બાલીનીઝ બેલે-‘રામાયણ અંશ નૃત્ય-નાટિકા’, આ ઉલુવાતું મંદિર-પરિસરના ઓપન-એર થીયેટરમાં, આપ જોઈ શકો છો!! ખાસિયત એ છે કે અભિનય સાથે બેકગ્રાઉન્ડ સાઉન્ડ, કલાકારોએ પોતે ઉત્પન્ન કરવાનો રહે છે !!

‘ચક-ચક-ચક’, ધ્વનીથી જોજો, એવું ધારી લેતા- કે આ પૌરાણિક પાત્ર ‘કીચક’ની વાત છે! બાલીનીઝ ભાષામાં આ નૃત્ય ‘કેચક’ અથવા ‘કેત્જક’ છે, જે એક પ્રકારનો ધ્વની છે, જે નાટ્ય વાર્તા દરમ્યાન સતત કલાકારો સખત ઉર્જા સાથે સંભળાવતા રહે છે, જેના પ્રતિ ધ્વનિમાં, વિરાટ ઉછળતા દરિયાઈ મોજાઓ, આ  કલીફ-સ્ટેજની ખરબચડી દીવાલ સાથે અફળાતા એક વિકરાળ-ટ્રાન્સ સાંજ દીપાવે છે અને આંખો સામે    દ્રશ્ય બદલાતા રહે છે, આ નાટીકાનો નાયક હનુમાન છે!!

વાર્તા અંશમાં, જ્યાં રામ મહાકપી હનુમાનને, અશોકવાટિકામાં, પત્ની સીતાની ક્ષેમ -કૂશળતા જાણવા મોકલે છે એ અહીં ભજવાય છે ! આ નૃત્ય-નાટિકા, ઢળતી સાંજના સૂર્યની લાલીમાં સાથે ખીલે છે અને સૂર્યાસ્ત સાથે આથમે છે ! નેચરલ લાઈટ્સમાં, લાઈવ બેકગ્રાઉન્ડ સ્કોર અને આકાશી પડદે આ વાર્તા પ્રદર્શની નિહાળવાનો મોકો આપના જીવનની એક યાદગાર ક્ષણ બની રેહશે..!

તમામ ૭૫ કળાકારો,  સ્ત્રી પાત્રને બાદ કરતા કાળી-સફેદ-મોટા ચેક/ચોક્દાની લૂંગી પેહરે છે, જે અહીંનું પારંપરિક વસ્ત્ર છે! સ્થાનિક કલાકારો દ્વારા, પ્રત્યેક સાંજે અહીંના મોટાભાગના તમામ પર્યટન સ્થળે, વિવિધ રામાયણ-અંશમાંથી ‘નૃત્ય-પ્રદર્શની’ ભજવાય છે. સંસ્કૃતીનગરી-બાલીમાં, મોટા ભાગના કલાકારો, પ્રત્યેક સાંજે, પારંપરિક નૃત્ય પ્રદર્શની કરીને પેટીયું રળે છે.

પર્યટનની આવકને આધારે કઈ રીતે પગભર થવું એ તો કોઈ, ઇન્ડોનેશિયા પાસેથી શીખે!! પ્રવાસન પર નભવાની, પેહલી શર્ત છે, પ્રામાણિક અને પારદર્શક હોવું ! અને આ બંને બાબતો અહીં, દાદ માંગી લે તેવી છે અને એટલે.. જ કદાચ એશિયાના પ્રવાસન સ્થળોમાં, સંસ્કૃતિ માણનારાઅને પ્રકૃતિ ખૂંદનારા પશ્ચિમી પ્રવાસીઓ, માટે ઇન્ડોનેશિયા એ ટોપ-ચોઇસ છે. વાંચતા રહો બ્યુટીફૂલ બાલી OUR VADODARA GUJARATI

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

More from Beautiful BaliMore posts in Beautiful Bali »
error: Content is protected !!