Press "Enter" to skip to content

જીવંત જ્વાળામુખીના ખોળે બેઠેલા, વસેલા બાલીનીઝનો પ્રકૃતિમાં જે વિશ્વાસ છે – ડો. મીતલ મકરંદની કલમે

બ્યુટીફૂલ બાલીની સફરના શબ્દ-સ્ફરીઓ…..આપણે ગતાંકમાં જાણ્યું કે સંસ્કૃતીનગરી-બાલીમાં પર્યટનની આવકને આધારે, સ્થાનિકો માટે પગભર થવાના ખાસ શ્રોત ઉભા કરવામાં આવ્યા છે!!  સ્વચ્છ ખાણી-પીણી બજાર, સ્થાનિક બનાવટની હાટો, ખાસ કરીને શિલ્પ અને કાષ્ઠકામ,બાટીકના કલાકારોને ખૂબ આર્થિક ટેકો મળી રહે તેવું આયોજન છે. મોટી સ્માઈલ સાથે, પોતાની નાની ચીજો વેચતા ફેરિયા, તમારી બાર્ગૈન-વૃત્તિથી, જરાય અકળાયા વિના….નમ્ર અવાજમાં, પોતાને અનુકુળ ભાવ સાથે ધંધો કર્યા કરે છે. તેમની સ્માઈલમાં, સંતોષની એક ચૂમ્બકીય ચમક છે !

બાલીની સ્થાનિક પ્રજા ખેતી- ખાસ કરીને વિશ્વભરમાં, જેની ચૂસકી હોટ છે એવી, અણમોલ કોફી-લૂવાક, ચોખા, માછીમારી, કાપડ-વણાટ-બાટીક કારીગરી, કાષ્ઠકામ, ખાણ-કામ, ચાંદીના દાગીનાનું ઘાટ કામ, શિલ્પકામ, ચિત્રકલા, હર્બલ સાબુ-ક્રીમ અને અગરબત્તી, કોપરા-કાચલીના ગૃહઉદ્યોગથી પગભર છે. ભારતમાં, કેરળને- ‘દેવભૂમિ’ તરીકે પ્રવાસન વિભાગ પ્રમોટ કરે છે, અને ઇન્ડોનેશીયામાં ‘દેવધામ’ એટલે કે ‘સ્વર્ગ’, બાલી…. ધ ઓન્લી ‘હેવન’ ઓન અર્થ તરીકે પોંખાય છે!! અને એ અનુભૂતિ આપ જો એક સંવેદનશીલ પ્રવાસી છો, તો અચૂક થશે.

બાલી, ખૂબ વિશાળ હોવાથી અને ભૌગોલિક રીતે વૈવિધ્ય્પૂર્ણ હોવાથી, સંપૂર્ણ બાલીમાં આપને ચોમાસા સમયનું મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, સિક્કિમ, હિમાચલ અને આસામનું નૈસર્ગિક સૌદર્ય મળશે, જો આ રાજ્યોના પ્રવાસન પોઈન્ટ્સ આપે માણ્યા જ…. છે, તે છતાંય, કોઈ પૂછે કે- “તો બાલી શા માટે આવવાનું!?” તો હું કહિશ, કે ‘કલ્ચર’! બાલીનું એક આગવું ચલણ છે, એક આગવી સભ્યતા છે, જીવંત જ્વાળામુખીના ખોળે બેઠેલા, વસેલા બાલીનીઝનો પ્રકૃતિમાં જે વિશ્વાસ છે, તે જોવા અચૂક આવવું પડે! પોતાની સંસ્કૃતિ પ્રત્યે જે ગરીમા છે, જેને તેઓ ખુમારીપૂર્વક જીવે છે. એજ.. બાલીની જાળવણીનું, મૂળ રહસ્ય પણ છે !

ઉલુવાતુંમાં  કલીફ-મંદિર ઉપરાંત આ પર્વત, તેની ઊંચાઈથી, દરીયાના પાતાળમાં ડાઈવીંગ કરનારા, અને મોજાની મસ્તીમાં, સર્ફિંગ કરનારા ભૂરાભાઈઓનો અરમાન છે, અને એ અરમાન પુરા કરવા તેઓ સરહદોની સફર કાપીને આવે છે. વિશ્વના શ્રેષ્ઠ સર્ફર્સ પોઈન્ટમાં, ઇન્ડિયન -ઓશનના, ‘ઉલુવાતું’નો સમાવેશ થાય છે !! અન્ય બાલીના બીચ પર જેમ, સ્પોર્ટ્સ સાધનો અને ટ્રેનરનો સાથ મળી રહે એવું આ પોઈન્ટ માટે નથી અને પોતાનું સર્ફિંગ બોર્ડ અને અનુભવી ડાઈવર્સ અને પ્રોફેશનલ તાલીમ પામેલા તરવૈયાઓ..જ ઝ્મ્પ્લાવે છે! તેમને જોવાની પણ એક થ્રિલ છે!

આ પોઈન્ટની પોપ્યુલારીટીનો શ્રેય, 1971માં બનેલી એક ઓસ્ટ્રેલીયન ડોક્યુમેન્ટ્રી મોર્નિંગ ઓફ અર્થ-‘ધરતીની સવાર’ને જાય છે.આ ફિલ્મે વિશ્વભરની સર્ફર્સ-કોમ્યુનીટીનું ધ્યાન અહીં ખેંચ્યું! ફીલીપૈનથી વારંવાર આવનારી જેની -સર્ફર માને છે કે આ અનુભવ તો કુદરતમાં ઓગળી જવાની વાત છે! કોઈ મહાશક્તિ તમને તેના બાહુપાશમાં સમાવી લેતી હોય એવી અનુભૂતિ કરવા હું લલચાઈ જાઉં છું, અને એટલે  હુંઅહીં આવું છું! ‘ઉલુવાતું’, ઢળતી -બપોરે આવી જવામાં..જ,મઝા છે! મંદ-મંદ મુસ્કાન વેરતા પવનની સાક્ષીએ, પૃથ્વીને ચૂમવા અને તેમાં ઓગળી જવા ડૂબકી લગાવતા, સૂર્યની સંગાથે જો તમારા હાથમાં મનગમતો હાથ હશે, તો સેલ્ફી..જ નહી સેલ્ફ પણ ભૂલી જશો અને બોલી પડશો બ્યુટીફૂલ-બાલી……. વાંચતા રહો OUR VADODARA GUJARATI

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

More from Beautiful BaliMore posts in Beautiful Bali »
error: Content is protected !!