Press "Enter" to skip to content

કમઅક્કલ સાદર કરે છે વિનોદ જાનીની રચના “બ્હેની તારો નિત વરસતો પ્રેમ-વાત્સલ્ય ભાવ, ન ક્યારેયે વીસરી શકીએ રોફ તારો છટાળો!”

રે વાદો.. કહું છું પજવશો નહીં મને..!! આ વરસે જે આગળ પાછળ છે એ જ્યારે જોડે હતું ત્યારનો ગમ છે. એટલે ભાઇ કમઅક્કલ શું કહેવા માંગે છે? જરા ફોડ પાડ તો ખબર પડે.. તું ભલે કમઅક્કલ.પણ, તારા વાંચકોમાં તો છે અક્કલ. વિગતે વાત માંડે તો સમજાય..? કહું છું દિલ પર પથ્થર મૂકીને કહું છું.. જ્યારે મૂછનો દોરો ફૂટું ફૂટું હતો.. ત્યારે એક સાંગોપાંત રુપ નિતરતી કોડભરી પૂરબહારે ખીલેલી એક સરસ મજાની યુવતી… માટે ફ્રેન્ડશિપ બેલ્ટ ખરીધ્યો હતો. કમબખ્ત આજે આગળ પાછળ છે એ દોસ્તવાર – મિત્રવાર – યારવાર – રવિવાર એ જ હતો બેનવાર (રક્ષાબંધન). સજળ આંખે આટલું બોલી કમઅક્કલ ચૂપ થયો.

પછી શું થયું? કમઅક્કલ કહે ન થવાનું થયું.. ફિલ્મી સીન થયો ફ્રેન્ડશીપ બેલ્ટ ખિસ્સામાં જ રહયો ને પેલી મને રાખડી બાંધીને જતી રહી.. ને… પછી.. એનાં દિકરા આજે મને ચાલીસ વરસે “મામા” કહી બોલાવે છે..!! હું હજી કુંવારો છું ફકત એટલાં માટે કે મારા ફરજંદો એને ફોઇ કહેશે તો.. એને કેટલું દુ:ખ થશે.

ત્યારથી આપણે પશ્ર્ચિમી સંસ્કૃતિનાં વિરોધી છે. ભલે ભાઇબંધીનો સંબંધ કાયમી ચાલુ વતૅમાનકાળ રહ્યો પણ એ રિશ્તામાં બેવફાઈનો હું સહનશીલ યોધ્ધો છું. બસ ભાઇ અટક હવે. પોરો ખા ને આજની જરા વાત તો કર.. આજની વાત નહીં જ થાય.. થશે તો આવતીકાલની વાત થશે. એ પણ આ સંબંધ જેટલો જૂનો છે.. જેટલો રિવાજી છે એટલાં જ જૂનાં છંદોલયમાં વાત કરીશું.

મંદાક્રાન્તા છંદમાં આ રક્ષાબંધને રાખડી બાંધવા ન આવી શકેલી બ્હેનો ને ભાઈ વતી વિનોદનાં સૅાનેટ માંથી સાદર

બ્હેની વહાલી

(મંદાક્રાન્તા)

શાન્તિ જાણે પથરઈ ગઇ આજ તારા જવાથી

તારી જોને મુખર પ્રકૃતિ સાથમાંયે લઈ ગૈ!

બ્હેની તારો નિત વરસતો પ્રેમ-વાત્સલ્ય ભાવ,

ન ક્યારેયે વીસરી શકીએ રોફ તારો છટાળો!

આવે પ્હેલી પિયર ઘર તું જ્યાં પડે કે રજાઓ,

જોઈ સર્વે ખુશ થઈ જતાં ભાંડુ તારાં અધીરાં;

વાતો તારી સુખ-દુ:ખ ભરી ઠાલવે બાપુ પાસે,

ને કૈં શબ્દો રણકી ઊઠતા ગુંજતા જે હજીયે.

તારી જ્યારે લધુવય હતી કેડમાં મુજને લૈ

દોડી જાતી,રમત રમતાં ધ્યાન  મારુંય રાખે;

માના જેવું અમ અમ સહુ પરે વ્હાલ તારું વહેતું,

બ્હેની વ્હાલી!સરકી ગઈ ક્યાં હાથતાળી દઇને?

જોવા તારું મુખ ન મળિયું યોગ એવો હશે કૈં!

શ્ર્વાસે-શ્ર્વાસે સ્મરણ કરતાં ઉર મારું ઠરે નૈં?

વિનોદ જાની ‘જાની’યાને ‘જ્ઞાની’નાં બે કાવ્યસંગ્રહો, દસ બાળકાવ્ય સંગ્રહો, બે બાળ નાટકો, ચાર સંપાદનો અને આ પુસ્તક સાથે વિનોદનાં ખંડકાવ્યો ય ખરાં ને હજી આશા અમર છે

સૉનેટ વાત કરીએ તો કમઅક્કલની અક્કલ મુજબ ગ્રીસનાં લેસબોસ ટાપુ પર થઇ ગયેલી સૉનેટની અદભૂત કવિયત્રી સેફોને યાદ કરવી જ રહી. લેસબોસ (Lesbos) ટાપુ આમતો તેની નારી શક્તિ માટે પ્રખ્યાત અને કામક્રિડામાં આત્મનિર્ભર સ્ત્રીઓ સમલૈંગિક સ્ત્રીઓનાં સંબંધોને લીધે (Lesbian) શબ્દ પણ મળે છે.

ગુજરાતી સાહિત્યમાં સૉનેટ માટે બ.ક.ઠાને યાદ કરવાં જ રહ્યાં તેમનું જૂનું પિયર ઘર અને ફોઈ સાગર પર લખાયેલું તેમનું સૉનેટ “વ્હાલાં જોયું”, “ટહુકો તારો ‘અલી’ગુંજ્યો વ્યોમ રસાળો”યાદ આવે પછી વળાવી બા આવી ઉશનસ્ કેમ ભૂલાય? કમઅક્કલ આને સુનિત કહી બોલાવે તો ખરું જ કહેવાય ને??

kamakkalisonsunday@gmail.com

More from KamakkalMore posts in Kamakkal »

Comments are closed.

error: Content is protected !!