Press "Enter" to skip to content

શહેરીજનોની સમસ્યાઓ માટે જવાબદાર અધિકારીને દંડ આકરો દંડ ફટકારતો “જનતાનો ઈ-મેમો”

  • કોર્પોરેશન ખાતે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન.
  • “જનતાનો સરકારને ઈ-મેમો” કાર્યક્રમ અંતર્ગત મ્યુનિ. કમિશનરની નેઈમ પ્લેટ સહિત કોર્પોરેશનમાં ઠેર ઠેર સ્ટિકરો ચોંટાડ્યાં.
  • દૂષિત પાણી, ખરાબ રસ્તાઓ, ડોર ટુ ડોર કચરા કલેક્શન, પાર્કિંગ સમસ્યા વગેરે માટે જવાબદાર અધિકારીને આકરો દંડ કરવા માંગણી.
(કોર્પોરેશન બહાર કોંગ્રેસના દેખાવો)

વડોદરા. દૂર્ષિત ગંદા પાણી, ખરાબ રસ્તાઓ, પાર્કિંગ સમસ્યા જેવા મુદ્દાઓથી શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટે જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓને આકરો દંડ ફટકારવો જોઈએ તેવી માંગણી સાથે આજે શહેર કોંગ્રેસ દ્વારા “જનતાનો સરકારને ઈ-મેમો”નો આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રવક્તા અમિત ઘોટીકરના જણાવ્યા પ્રમાણે, શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરીમાં આજે લોકોને પીવાનું પુરતું પાણી નથી મળતું, સારા રોડ રસ્તાં નથી મળતાં, આરોગ્ય માટે સારી સુવિધા નથી, દબાણો દૂર કરાતા નથી, બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની તસ્દી નથી લેવાતી, વારંવાર રોડ ખોદી નાંખવામાં આવે છે, બેજવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ નથી કરાતાં, રસ્તા પર ઢોર રખડતાં હોય છે, રોગચાળાના ભય વચ્ચે લોકો જીવી રહ્યાં છે. આ બધાં માટે જવાબદાર કોણ? સ્માર્ટ સિટીમાં સ્માર્ટ જેવું કશું નથી.

(મ્યુનિ. કમિશનરને રજૂઆત)

વધુમાં ઉમેર્યું કે, શહેરીજનોને પડતી સમસ્યાઓ માટે જવાબદાર અધિકારીઓને આકરો દંડ ફટકારવો જોઈએ તેવી માંગણી સાથે આજે “જનતાનો સરકારને ઈ-મેમો”ના સ્ટિકર્સ કોર્પોરેશનના મ્યુનિ. કમિશનરની કચેરી બહાર સહિત ઠેર ઠેર લગાડવામાં આવ્યા હતાં. અને શહેરીજનોને પડતી સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી મ્યુનિ. કમિશનર નલીન ઉપાધ્યાયને શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ (ટીકા), વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)ની આગેવાનીમાં ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરીજનોને પડતી સમસ્યાઓનો ત્વરીત ઉકેલ નહીં આવે તો જલદ આંદોલન કરવાની કોંગ્રેસ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

More from VMSSMore posts in VMSS »