Press "Enter" to skip to content

સોમા તળાવ પાસે સિગ્નલ તોડી નિકળેલાં ટેમ્પાએ બાઈક ચાલકને 20 ફૂટ ઘસડ્યો – હેલ્મેટના ફૂરચા ઉડી જતાં યુવકનું મોત

  • ગેસ સિલિન્ડર ભરેલાં ટેમ્પાને ગફલતભરી રીતે ચાલકે હંકારી.
  • કરજણના વેમાલીનો રહેવાસી ધીરજ પરમાર લગ્ન પ્રસંગે હાજરી આપી પરત જઈ રહ્યો હતો.
  • અકસ્માત સર્જાયા બાદ ટેમ્પો ચાલક નાસી છૂટ્યો
  • ટુ-વ્હિલર ચાલકોને દંડવામાં વ્યસ્ત ટ્રાફિક પોલીસ સામે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો.

વડોદરા. સોમા તળાવ ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પાને ગફલતભરી રીતે હંકારતાં ચાલકે સિગ્નલ તોડ્યું હતું અને ટેમ્પાની અડફેટે આવેલી બાઈકને 20 ફૂટ જેટલી ઘસડી હતી. જેમાં બાઈક ચાલકના હેલ્મેટના ફૂરચા ઉડી ગયા હતાં. ઇજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, કરજણના વેમાલી ગામનો યુવક ડભોઈ રોડ ખાતે આયોજિત લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત જઈ રહ્યો હતો.

કરજણ તાલુકાના વેમાલી ગામનો 40 વર્ષિય ધીરજ હરશનભાઈ પરમાર વડોદરાના ડભોઈ રોડ વિસ્તારમાં આયોજિત લગ્ન પ્રસંગમાં હાજરી આપવા વડોદરા આવ્યો હતો. લગ્ન પ્રસંગમાંથી તે પરત જઈ રહ્યો હતો ત્યારે સોમા તળાવ ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પાએ બાઈકને અડફેટે લીધી હતી. ચાલક ટેમ્પાની બ્રેક મારે તે પહેલાં બાઈક સવાર 20 ફૂટ જેટલો ઘસડાયો હતો. જેમાં તેણે પહેરેલાં હેલ્મેટના ફૂરચે ફૂરચાં ઉડી ગયા હતાં. બનાવ બનતાં જ ટેમ્પો ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે એકઠાં થઈ ગયેલાં લોકોએ 108 બોલાવી ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવને નજરે નિહાળનાર લોકોના કહેવા પ્રમાણે, સોમા તળાવ ચાર રસ્તા પર સિગ્નલ બંધ હોવા છતાં ટેમ્પો ચાલક સડસડાટ નિકળ્યો હતો. ગેસ સિલિન્ડર ભરેલાં હોવા છતાં બેફામ રીતે ટેમ્પો હંકારતા ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. બાઈક પર યુવકની સાથે એક મહિલા પણ હતી. અકસ્માત સર્જાતા મહિલા રોડ પર ફંગોળાઈ ગઈ હતી. તેને પણ ઇજા પહોંચી હતી.

અત્રે નોંધનિય છે કે, ચાર રસ્તા પર ફરજ બજાવતાં ટ્રાફિક પોલીસના જવાનો ટુ-વ્હિલર ચાલકોને દંડ ફટકારવામાં જ વ્યસ્ત હોય છે. તેવો આક્ષેપ કરતાં સ્થાનિક રહીશોમાં ટ્રાફિક પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો.

More from LiveMore posts in Live »
error: Content is protected !!