Press "Enter" to skip to content

મંગળબજારના વેપારીઓનો રેલિંગ સામે રોષઃ વિરોધ વચ્ચે દુકાનો પાસે રેલિંગ નાંખવાની કામગીરી હાથ ધરાઈ

  • મંગળબજારમાંથી પથારા અને લારીઓવાળાઓનું સામ્રાજ્ય દૂર કરવા કોર્પોરેશન તંત્રે એક્શનમાં.
  • દબાણની સમસ્યા દૂર કરવા દુકાનો પાસે રેલિંગ લગાડવાની કામગીરી હાથ ધરાઈ.
  • રેલિંગ લગાડવાથી વેપાર – ધંધાને નુકસાન પહોંચશે તેવી ભિતી સેવાતાં વેપારીઓ બે દિવસથી બંધ પાડી રહ્યા છે.

વડોદરા. મંગળબજાર વિસ્તારમાં સર્જાતા દબાણો માટે અત્યાર સુધી ભ્રષ્ટાચાર અને તંત્રની નિંભરતાંને જવાબદાર ઠેરવવામાં આવતાં હતાં. આ સંજોગોમાં મંગળબજારમાં લારી – પથારાના દબાણોના અમંગળને દૂર કરવા માટે કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે મંગળબજારના વેપારીઓ તેના વિરોધમાં બે દિવસથી બંધ પાડીને તંત્ર પર “દબાણ” ઉભું કરી રહ્યાં છે. જોકે, આજે વેપારીઓના વિરોધ વચ્ચે દુકાનો પાસે રેલિંગ નાંખવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

મંગળબજારની ફૂટપાથ અને રસ્તા પર ગેરકાયદે અડીંગો જમાવી દેતાં પથારાવાળા અને લારીઓવાળાને દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા વિસ્તારની દુકાનો પાસે રેલિંગ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વેપારીઓએ રેલિંગ સામે રોષ વ્યક્ત કરતું આવેદન પત્ર મંગળવારે મ્યુનિ. કમિશનરને સુપરત કર્યું હતું. જોકે, તંત્ર દ્વારા આ વિરોધને દાદ આપ્યા વિના રેલિંગની કામગીરી ચાલુ રખાઈ હતી.

બુધવારે સવારે રેલિંગ નાંખવાની કામગીરી શરૂ કરાતાં વેપારીઓએ વિરોધ શરૂ કર્યો હતો. જેને પગલે સ્ટેન્ડિંગ ચેરમેન સતિષ પટેલ સ્થળ પર પહોંચ્યા હતાં. દરમિયાનમાં આવી પહોંચેલા કોંગ્રેસી કાઉન્સિલર ફરીદ કટપીસવાલાએ વેપારીઓ સાથે રહી, સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેશન તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરતાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે, આ વિરોધ સામે મચક આપ્યા વિના રેલિંગ નાંખવાની કામગીરી ચાલુ રખાઈ હતી.

મંગળબજારમાં રેલિંગ લગાડવાના વિરોધમાં મંગળવારથી બંધ પાડી રહેલાં વેપારીઓએ આજરોજ પણ બંધ પાડ્યો હતો અને તે અંગેનું બેનર પણ લટકાવ્યું હતું. વેપારીઓના કહેવા પ્રમાણે રેલિંગને કારણે વેપાર – ધંધા પર અસર પડશે. કારણકે દુકાનમાં આવતાં ગ્રાહકોને ઉભા રહેવામાં મુશ્કેલી પડશે. કોર્પોરેશને પથારા અને લારીઓ દૂર કરવા અંગે અન્ય વિકલ્પ વિચારવો જોઈએ.

સ્ટેન્ડિંગ ચેરમેન સતિષ પટેલે જણાવ્યું હતું કે, મંગળબજારમાં લારી – પથારાઓનો ત્રાસ દૂર કરવા પોલીસ તંત્ર સાથે વિચાર – વિમર્શ કરીને રેલિંગ નાંખવાનો નિર્ણય લેવાયો છે. વેપારીઓ નુકસાનની વાત કરે છે તે ખોટી છે. રેલિંગ એ રીતે નાંખવામાં આવી રહી છે કે દુકાન પાસે 50 જેટલાં ગ્રાહકો આરામથી ઉભા રહીને ખરીદી કરી શકે. અને છતાં જો ગ્રાહકોને તકલીફ પડશે તો સ્થળ સ્થિતીની તપાસ કરીને હું જાતે રેલિંગ દૂર કરાવી દેવાની ખાતરી આપું છું. પરંતુ, હાલના તબક્કે રેલિંગ નાંખવાની કામગીરી બંધ નહીં થાય.

More from LiveMore posts in Live »
More from VMSSMore posts in VMSS »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!