Press "Enter" to skip to content

સાસણ ગીરમાં મેટિંગ પૂર્વે સિંહની તાકાતનાં પારખાં કરતી સિંહણ (જુઓ Asiatic Lionનો દુર્લભ વિડીયો)

  • આફ્રિકાના ખુલ્લા મેદાનવાળા જંગલોમાં સિંહ – સિંહણ વચ્ચેની લડાઈ સહેલાઈથી જોવા મળે છે, પરંતુ સાસણ, ગીરના ગાઢ જંગલમાં આ પ્રકારે લડતાં સિંહ – સિંહણનો આ વિડીયો દુર્લભ છે – ઝુબિન આશરા
  • મેટિંગ સિઝનમાં જોડી બનાવતાં પહેલાં સિંહણ સિંહ સાથે લડાઈ કરે છે અને તેના આધારે નરની પસંદગી કરે છે.
  • ઝુબિન આશરાની ખુલ્લી જીપથી 15 ફૂટના અંતરે લગભગ અડધો કલાક સુધી સિંહ – સિંહણ લડતાં રહ્યા હતાં.

Mehulkumar Vyas. દરેક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરને જીવનમાં અમૂક દુર્લભ ક્ષણોના સાક્ષી બનાવનું સૌભાગ્યા પ્રાપ્ત થાય છે. આવી જ એક રોમાંચક ઘટનાના સાક્ષી બનવાનું સૌભાગ્ય વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઝુબિન આશરાને સાસણ ગીર ખાતે પ્રાપ્ત થયું હતું. છેલ્લાં ઘણાં વર્ષોથી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતાં ઝુબિન આશરા ગત તા. 4થી 7 જાન્યુઆરી – 2020ના રોજ સાસણમાં ફોટોગ્રાફી કરવા ગયા હતાં. તે દરમિયાન તેમણે જે ઘટનાનો દુર્લભ વિડીયો બનાવ્યો એ વિડીયો વિશે ઝુબિન આશરાની સીધી વાત.

હું તા. 4 થી 7 જાન્યુઆરી દરમિયાન સાસણમાં ફોટોગ્રાફી કરવા માટે ગયો હતો. અમે ખુલ્લી સફારી જીપમાં રૂટ નં. 10 પર ફરી રહ્યા હતાં ત્યાં અમે બે સિંહ અને એક સિંહણ જોયા હતાં. હાલ સિંહની મેટીંગ સિઝન ચાલી રહી છે ત્યારે આ સિંહ – સિંહણના વર્તન અને હાવભાવમાં મને કંઇક અજુગતું લાગ્યું.

બીજા દિવસે સવારે સાત – સાડા સાત વાગ્યાની આસપાસ હું રૂટ નં. 10 પર જીપમાં પહોંચી ગયો હતો. ત્યાં રસ્તામાં સિંહ બેઠેલો હતો તેને જોઈને હું ઉભો રહી ગયો, થોડી જ વારમાં ઝાડી ઝાંખરામાંથી સિંહણ બહાર આવી. સિંહ – સિંહણને જોતાં જ મેં કેમેરા તૈયાર કરી દીધા, મને એમ કે મેટીંગ સિઝન છે એટલે સિંહ – સિંહણ વચ્ચેના સમાગમના સરસ ફોટો – વિડીયો મળશે.

પણ ત્યાં તો સિંહણે સિંહ સાથે લડાઈ શરૂ કરી, મારી જીપથી 15 ફૂટ જેટલાં અંતરે લગભગ સિંહ – સિંહણની લડાઈ થતાં હું ખૂબ જ રોમાંચિત થઈ ગયો. થોડીવારમાં બંને બેસી ગયા, ફરી લડવા લાગ્યા… લગભગ અડધા કલાક સુધીમાં તેઓ 4 વાર ઝગડ્યા. બાદ ઝાડી-ઝાંખરાવાળા જંગલમાં જતાં રહ્યાં.

સામાન્ય રીતે જોડીમાં રહેતાં સિંહ – સિંહણ સમાગમ પૂર્વે આ રીતે લડાઈ કરતાં નથી. પરંતુ, પહેલીવાર જોડી બનતી હોય અને બે કે તેથી વધુ સિંહમાંથી સિંહણે નરની પસંદગી કરવાની હોય ત્યારે સિંહણ તેઓની સાથે લડાઈ કરે છે. અને લડાઈમાં સિંહની તાકાતનાં પારખાં કર્યા બાદ, તે સશક્ત નર સાથે સમાગમ કરવા તૈયાર થાય છે. સાસણમાં જે લડાઈ મેં જોઈ એમાં પણ સિંહણ સિંહની તાકાતનો અંદાજ લગાવી રહી હતી. જે નર લડાઈમાં સિંહણને જીતે તેની સાથે બાદમાં તે સમાગમ (મેટિંગ) કરે છે. 

આ વિડીયો દુર્લભ એટલા માટે છે કે, આફ્રિકાના ખુલ્લા મેદાનવાળા જંગલમાં આવી લડાઈ થવાના વિડીયો જોવા મળી રહે છે. પરંતુ, એશિયાટીક લાયનનો આવો વિડીયો ક્યાંય જોવા મળતો નથી. કારણકે આ ગીચ ઝાડી – ઝાંખરાવાળો જંગલ વિસ્તાર છે. આ સંજોગોમાં સાસણ – ગીરમાં સિંહની તાકાતના પારખાં લેવા સિંહણ તેની સાથે લડતો હોય તેવો આ વિડીયો દુર્લભ છે.

More from Featured StoryMore posts in Featured Story »
error: Content is protected !!