Press "Enter" to skip to content

સાવલીની K.J.I.T. કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઈ આપઘાત – પ્રેમ પ્રકરણને કારણે આપઘાત કર્યો હોવાની ચર્ચા

  • દાહોદના ભંભોડી ગામનો રોનક વશી ડિપ્લોમા મિકેનીકલ એન્જિનિયરીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
  • શનિવારે બપોરે પોતાની રૂમની બાજુની ખાલી રૂમમાં જઈ આપઘાત કર્યો હતો.
  • મોડી રાત્રે પરિવારજનો આવ્યા બાદ રૂમ ખોલવામાં આવ્યો હતો.
  • યુવાનની હત્યા કરાઈ હોવાની પરિવારજનોની આશંકા – પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

વડોદરા. સાવલી સ્થિત K.J.I.T. કોલેજમાં ડિપ્લોમા મિકેનીકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં યુવાને શનિવારે બપોરના સમયમાં રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતાં કેમ્પસમાં ભારે ચકચાર મચી છે. આપઘાતના પ્રકરણમાં એક તરફ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની કેમ્પસમાં ચર્ચા છે તો બીજી તરફ પરિવારજનોએ હત્યાની આશંકા પણ વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લાના ભંભોડી ગામનો રહેવાસી 17 વર્ષિય રોનક રણજીતસિંહ વશી સાવલીની K.J.I.T. કોલેજમાં ડિપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલના રૂમ નં 402માં રહેતો હતો.

શનિવારે બપોરે 2 થી 5 વાગ્યાના અરસામાં રોનક વશી પોતાના રૂમની બાજુમાં આવેલા ખાલી રૂમ નં. 401માં ગયો હતો અને તેણે રહસ્યમય સંજોગોમાં પ્લાસ્ટિકની દોરીથી પંખા પર ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં કોલેજ સત્તાવાળાઓએ પોલીસને તેમજ રોનકના પરિવારોને જાણ કરી હતી.  મોડી રાત્રે પરિવારજનો આવી પહોંચ્યા બાદ પોલીસે રૂમ ખોલ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલીની જમનોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાવલી પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વશી પરિવારના દિલીપભાઈ બામણે આક્ષેપ કર્યો હતો કે, પ્રથમ દ્રષ્ટીએ રોનકે આપઘાત કર્યો હોય તેમ જણાતું નથી પરંતુ તેની સાથે કંઇક અજુગતું થયું છે. આ બનાવની તટસ્થ તપાસ થવી જરૂરી છે.

બીજી તરફ, કોલેજ કેમ્પસમાં રોનકે પ્રેમપ્રકરણને કારણે આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, હજુ સુધી આ અંગે પોલીસ દ્વારા કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી.

More from CrimeMore posts in Crime »
error: Content is protected !!