Press "Enter" to skip to content

પક્ષીઓ માટે “તંગ” ઉત્સવનો પ્રારંભઃ બે દિવસમાં બે પક્ષીઓ ચાઇનીઝ દોરાથી ઘવાયાં

  • તા. 5 જાન્યુઆરીના રોજ સાંજે કટંબા પાસેની સ્પ્રિરીંગ સોસાયટીમાં નક્ટો (comb duck)નું રેસ્ક્યુ કરાયું.
  • તા. 6 જાન્યુઆરીના રોજ સવારે વાઘોડિયા રોડ પર શ્રી નારાયણ વિદ્યાલયમાં ધોળી કાંકણસાર (Black-headed ibis) નું રેસ્ક્યુ કરાયું.

વડોદરા. આકાશમાં ઉડવાનો જેમનો અધિકાર છે એવા પક્ષીઓ માટે પતંગોત્સવ તંગ ઉત્સવ બનતો હોય છે. ત્યારે છેલ્લાં બે દિવસમાં બે પક્ષીઓ પતંગના દોરાથી ઘવાયા છે. જોકે, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા બંને પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, તા. 5 જાન્યુઆરીના રોજ સાંજના સમયે કટંબા પાસેની સ્પ્રિરિંગ સોસાયટીના એક મકાનમાં દોરાથી ફસેયાલી હાલતમાં પક્ષી આવી ચડ્યું હતું. આ અંગે અમને કોલ મળતાં કાર્યકર યુવરાજસિંહ રાજપૂત અને જીતેશ તડવી ત્યાં પહોંચતાં નક્ટો (comb duck) ચાઈનીઝ દોરીમાં ફસાયેલું જોવા મળ્યું હતું. તેમણે રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્ત પક્ષીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વન વિભાગને સુપરત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, comb duck કે જેને ગુજરાતીમાં નક્ટો તરીકે ઓળખવામાં આવે છે. તે ગુજરાતના તળાવો અને ખેતરમાં જોવા મળી આવે છે.

પતંગોત્સવનો આનંદ માણવા સાથે પશુ-પક્ષીઓની દરકાર રાખવી જરૂરી.

ક્રિસમસ સાથે જ આકાશમાં પતંગ ચગવાનું શરૂ થઈ જાય છે. અને ઉત્તરાયણ પર્વ બાદ પણ પતંગ રસિકો પતંગ ઉડાડવાનો આનંદ લૂંટતા હોય છે. જોકે, આ આનંદ માણવા સાથે પશુ-પક્ષીઓની દરકાર રાખવી જરૂરી છે. મુંગા જીવો માટે આપ શું કરી શકો?

  • દોરા ગમે ત્યાં ફેકવા નહીં. બને ત્યાં સુધી નકામા દોરાના ગુચ્છાનો યોગ્ય રીતે નિકાલ કરો.
  • ફાટી ગયેલા પતંગને ગમે ત્યાં ના ફેંકો.
  • ચાઈનીઝ દોરાનો ઉપયોગ ના કરશો.
  • આપની આસપાસ ક્યાંક પશુ-પક્ષી ઘવાય તો તાત્કાલિક તેને સારવાર મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓના નંબરો હાથ-વગાં રાખો.
  • ઇજાગ્રસ્ત પશુ-પક્ષીની પ્રાથમિક સારવાર અંગેની માહિતી પ્રાપ્ત કરો.

પવારે જણાવ્યું હતું કે, આજરોજ તા. 6 જાન્યુઆરીના રોજ સવારે 8.45 કલાકે અમને કોલ મળ્યો હતો કે, વાઘોડિયા રોડ શ્રી નારાયણ વિદ્યાલય કેમ્પસના વૃક્ષ પર એક પક્ષી દોરામાં ફસાયેલું છે. જેને પગલે દોડી ગયેલા રેસ્ક્યુઅર હર્ષ ભટ્ટે ત્યાં જોયું કે, એક વૃક્ષ પર 15 ફૂટની ઉંચાઈ પર ધોળી કાંકણસાર (Black-headed ibis) ચાઈનિઝ દોરામાં ફસાયેલું હતું. ફાયર બ્રિગેડની મદદથી પક્ષીને સલામત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપરત કરાયું હતું.

More from LiveMore posts in Live »
error: Content is protected !!