Press "Enter" to skip to content

બંદિશ બેન્ડિટ્સ : સુરીલું સિનેમેટિક સાંયુજ્ય! – Review of Amazon Prime video webseries ‘Bandish Bandits’ by Parakh Bhatt

લાજવાબ! બેનમૂન! અફલાતૂન! લિજ્જતદાર! એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થયેલી ’બંદિશ બેન્ડિટ્સ’ સંગીતના ચાહકો માટે અચાનક આવી પડેલું વરદાન છે. કોઈ ઝાઝી હો-હા કે પ્રમોશનના દેકારા વગર ‘ધુબાક’ કરતી આવી ચડેલી, 10 એપિસોડ્સ ધરાવતી બંદિશ બેન્ડિટ્સ મ્યૂઝિકલ વેબસીરીઝ છે. જેના ડિરેક્ટર આનંદ તિવારીએ ભૂતકાળમાં યશરાજ ફિલ્મ્સ માટે ‘બેંગ બાજા બારાત’ વેબસીરિઝ અને નેટફ્લિક્સની ’લવ પર સ્ક્વેર ફૂટ’ ફિલ્મ સહિત ઘણી ફિલ્મો અને સીરિઝ માટે દિગ્દર્શન સંભાળ્યું છે. વળી, ઉત્તમ અભિનેતા પણ ખરો! ‘સુમિત સંભાલ લેગા’ જેવી ટીવી સીરિયલ્સ તથા છપાક, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી, ગો ગોવા ગોન સહિતની બોલિવૂડ ફિલ્મોમાં મહત્વના કિરદાર નિભાવ્યા છે.

ઇન્ડિયન ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિકના સમન્વય પર વાર્તા લખાયેલી છે. ફક્ત સંગીત જ નહીં પરંતુ વિચારધારા, રહેણી-કરણી, સમજ, બોલચાલની ભાષા સહિતના સંખ્યાબંધ પરિબળોનો વિરોધાભાસ દર્શાવવામાં પણ ’બંદિશ બેન્ડિટ્સ’ સફળ રહી છે. ’જાગો મોહન પ્યારે’ના સુમધુર ગીતથી શરૂ થતો પહેલો એપિસોડ અને મલ્હાર રાગથી સુશોભિત ‘ગરજ ગરજ’ ગીત સાથે અંત થતી આ સીરિઝ પ્રેક્ષકને પોતાના અલાયદા ભાવવિશ્વમાં તાણીને લઈ જાય છે.

જોધપુરના સંગીત સમ્રાટ પંડિત રાધેમોહન રાઠોડ (નસીરૂદ્દીન શાહ) પાછલા ત્રણેક દાયકાથી શાસ્ત્રીય સંગીતમાં અજોડ નામના ધરાવે છે. પોતાનું સંપૂર્ણ જીવન એમણે સંગીત તથા મા સરસ્વતીને અર્પણ કરી દીધું છે. એમનો પૌત્ર રાધે (ઋત્વિક ભૌમિક) પણ પોતાના દાદાને ટક્કર આપી શકે એ હદ્દે પારંગત છે. મુંબઈથી થોડા દિવસ માટે પોતાના પિતા હર્ષવર્ધન (ઋતુરાજ સિંહ) પાસે રોકાવા માટે જોધપુર આવેલી ફેમસ સિંગર તમન્ના (શ્રેયા ચૌધરી) એક કોન્સર્ટ દરમિયાન રાધેને મળે છે. શાસ્ત્રીય સંગીતથી તદ્દન અજાણ અને વેસ્ટર્ન મ્યુઝિકને જ સર્વેસર્વા ગણતી મોડર્ન-ગર્લ તમન્ના, રાજસ્થાની ફરજંદ રાધે સાથે પ્રેમમાં પડે છે. તેઓ સાથે મળીને ‘બંદિશ બેન્ડિટ્સ’ના ટેગ હેઠળ ગીતો બનાવે છે, જેમાં શાસ્ત્રીય અને પશ્ચિમી સંગીતનું સાંયુજ્ય રચાયું છે. સમગ્ર દેશમાં તેઓ રાતોરાત પ્રખ્યાત થઈ જાય છે.

રૂઢિચુસ્ત માન્યતાઓ અને જડ વિચારસરણી સાથે જીવતા લોકોનું વિશ્વ છે આ! ભાવ-અભાવ વચ્ચે જીવતા પરિવારો, લાગણી-પ્રેમ ઝંખતા કુટુંબીજનો અને ઈર્ષા-દ્વેષથી પીડિત સમાજનું દર્પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. હા, આ બધું વાંચ્યા પછી એવું માનવાની કોઈ જરૂર નથી કે સીરિઝ તત્વચિંતન કે આર્ટિસ્ટિક પરિબળોથી ભરેલી હશે! ના. બિલકુલ નહીં. ‘બંદિશ બેન્ડિટ્સ’ એ આદું, તાજ-લવિંગ, મસાલો નાંખીને બનાવેલી ચા છે, જેનો એક સબડકો પણ પ્રેક્ષકને તરોતાજા કરી દેવા માટે કાફી છે. મારી કમનસીબી એ હતી કે, રિવ્યુ કરવા માટે આખી સીરિઝ એકી બેઠકે જોવી પડી. બાકી, મારી તો સૌને એ જ સલાહ છે કે કાનમાં હેડફોન ભરાવીને શંકર-અહેસાન-લોયના સંગીતનો એક-એક સૂર માણતા-માણતા ધીરે ધીરે જોજો! દરેક ગીતમાં અલગ જાદુ છે, મદહોશી છે. તેને થમ્સ-અપની જેમ ગટગટાવી જવાને બદલે રેડ વાઇનની માફક પ્રત્યેક એપિસોડને ઘૂંટડે-ઘૂંટડે ગળે ઉતારવાનું પસંદ કરજો.

રાધેની માતા મોહિનીનું પાત્ર ભજવતી શીબા ચઢ્ઢા, પિતા રાજેન્દ્ર ઉર્ફે રાજેશ તેલંગ, કાકા દેવેન્દ્ર ઉર્ફે અમિત મિસ્ત્રી અને રહસ્યમય અંદાજમાં એન્ટ્રી લેતા દિગ્વિજય ઉર્ફે અતુલ કુલકર્ણી ‘બંદિશ બેન્ડિટ્સ’ની જાન છે. બે મુખ્ય પાત્રો ઋત્વિક ભૌમિક અને શ્રેયા ચૌધરીનો અભિનય બોલિવૂડના મંજાયેલા કલાકારો કરતાં ક્યાંય વધુ અસરકારક અને વાસ્તવિક છે. નસીરૂદ્દીન શાહ… ઉફ્ફ! ક્યા કહેના! એમની આંખો, કપાળ પરની કરચલીઓ અને મૌનમાં ભયંકર ઊર્જા છે. પ્રત્યેક દ્રશ્યોમાં એમનો પ્રભાવ ઝળકાયા વગર રહેતો નથી. રંગમંચનો એમનો બહોળો અનુભવ અને સંગીતની ઊંડી સમજને કારણે તેઓ પોતાના પાત્રને અભિનયની ચરમસીમા સુધી લઈ જવામાં સફળ થયા છે. એમની સામે અતુલ કુલકર્ણી ભલે પાંચમા એપિસોડમાં અધવચ્ચેથી પ્રવેશ કરતો હોય, પરંતુ મોભો તેમજ પ્રભાવ તો એમનો પણ કંઈ ઓછો તો નથી જ! બીજી બાજુ, રાજાજી તરીકે દિલીપ શંકર, મુનશીના પાત્રમાં શશી કિરણ, અવંતિકાના કિરદારમાં મેઘના મલિક, આર્ઘ્યાના પાત્રમાં કુણાલ રોય કપૂર, રાધેના મિત્ર કબીરનો રોલ ભજવનાર રાહુલ કુમાર અને રાજાજીના ભાઈની દીકરી સંધ્યા ઉર્ફે તૃધા ચૌધરીએ પણ પોતપોતાના ટચૂકડા પાત્રો શિદ્દતથી નિભાવ્યા છે.

અભિષેક પૂગાલિયાનું સેટ ડેકોરેશન અને હેઝલ પોલની કોસ્ચ્યુમ ડિઝાઇન સીરિઝને અનુરૂપ રાજસ્થાની ફ્લેવર આપવામાં કામયાબ નીવડ્યા છે. શંકર-અહેસાન-લોયનું સંગીત મારા દિલોદિમાગમાં એટલી હદ્દે બેસી ગયું છે કે આ લખતી વખતે પણ એમેઝોન એલેક્સા પર સતત લૂપમાં વાગી રહ્યું છે. કેસરિયા બાલમ, છેડખાનિયા સહિતના એકપણ ક્લાસિકલ કે વેસ્ટર્ન ગીતો કાનમાં વાગતા નથી એ તેની ખાસિયત છે. ‘બંદિશ બેન્ડિટ્સ’ જોતી વખતે મનના પાછળના ખૂણે ‘જગ્ગા જાસૂસ’ પણ દોડી રહી હતી. આજે પણ હું દ્રઢપણે માનું છુ કે જગ્ગા જાસૂસ ખરેખર સારી કહી શકાય એવી મ્યૂઝિકલ ફિલ્મ હતી. બોક્સ-ઓફિસ પર ન ચાલી અને કેટલાક વિવેચકોએ પણ વખોડી કાઢી એ અલગ વાત છે, પરંતુ જલસો તો એમાં પણ હતો!

તમામ કિરદારોને ઘડીભર બાજુ પર મૂકીને શાંતિથી વિચારીએ તો સમજાય કે, સીરીઝનું મુખ્ય પાત્ર જ સંગીત છે! ભૂતકાળમાં એક અભિનેતા તરીકેના મારા અનુભવો પરથી કહી શકું કે, ઋત્વિક ભૌમિક અને શ્રેયા ચૌધરી પોતપોતાના સિંગર-મ્યુઝિયન તરીકેના પાત્રોમાં સંગીતને ઘોળીને પી ગયા છે. શ્રેયા એ બોલિવૂડની કામણગારી કન્યા નહીં, પણ મારી-તમારી વચ્ચે લાખો શમણાં લઈને જીવતી તમન્ના છે. ઋત્વિક પણ દેખાવમાં ભલે સિક્સ-એબ ધરાવતો હેન્ડસમ હન્ક ન હોય, પરંતુ પોતાના પરિવાર માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર મારા-તમારા જેવો નમણો-ઘઉંવર્ણો યુવાન રાધે છે.

મૌનનો અલાયદો આલાપ છે અહીં! શબ્દને પણ તાલ છે! ભાષા વાજિંત્રો બનીને વાર્તાને શણગારે છે! પોતપોતાના ભૂતકાળની વેદના-વ્યથાને આજના સૂરમાં ઢાળી વર્તમાનનું સુરીલું સંગીત બનાવવાનો પ્રયાસ છે અહીં!

ક્લાયમેક્સ : ઘણા સમય સુધી હું માનતો રહ્યો કે એમેઝોન પ્રાઇમ વીડિયોની ટીમ પાસે સ્ક્રિપ્ટ પસંદ કરવાની કોઈ સમજ નથી, પરંતુ ‘બંદિશ બેન્ડિટ્સ’ને કારણે મારો એ ભ્રમ તૂટીને કાચની ઝીણી ઝીણી કરચોમાં ફેરવાઈ ગયો છે.

કેમ જોવી? : સૂર, સંગીત અને સિનેમાના સુંદર સમન્વયના સાક્ષી બનવા માટે!

કેમ ન જોવી? : મ્યૂઝિકલ ફિલ્મો અથવા સીરિઝ જોવી ન ગમતી હોય તો! એમાંય ખાસ કરીને શાસ્ત્રીય સંગીત!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

More from EntertainmentMore posts in Entertainment »
error: Content is protected !!