Press "Enter" to skip to content

આશ્રમ : નમાલી લૈલા! – Review of MX Player original web-series ‘Aashram’ by Parakh Bhatt

જેમ જેમ ઑટીટી પ્લેટફોર્મ ભારતીય પ્રેક્ષકોને ભરડામાં લઈ રહ્યું છે, એમ એમ એક પછી એક કૉન્ટ્રોવર્સી પેદા થતી જ જાય છે. નેટફ્લિક્સની માફક સૌ કોઈને હવે ભારતના ઘરોમાં સ્થાન લઈ લેવું છે, જેના માટેની રમત દિવસે ને દિવસે વધુ મલિન થતી દેખાઈ રહી છે. ગઈકાલે એકીસાથે બે ભયંકર કૉન્ટ્રોવર્સીયલ કૉન્ટેન્ટ ઑટીટી પર રીલિઝ થયા. હૉટસ્ટાર પર સડક-2 અને એમ.એક્ષ.પ્લેયર પર આશ્રમ! મહેશ ભટ્ટ દિગ્દર્શિત અને આલિયા ભટ્ટ સ્ટારર સડક-2 પર નેપોટિઝમનું ટેગ, જ્યારે આશ્રમ પર હિન્દુ વિરોધી વિચારધારાને પ્રોત્સાહન આપતી વેબસીરિઝનું ટેગ ચોંટેલું છે. સેક્રેડ ગેમ્સ, લૈલા, બુલબુલને જેમ નેગેટિવ પબ્લિસિટી ફળી, એવી જ રીતે પ્રકાશ ઝા જેવા મેકર્સ પણ હવે નેગેટિવ પબ્લિસિટીનો માર્ગ અપનાવીને રોકડી કરી લેવાના મૂડમાં જણાય છે.

એક વાક્યમાં રિવ્યુ આપવો હોય તો એમ કહી શકાય કે, સેક્રેડ ગેમ્સ અને લૈલાનું ભદ્દું-નમાલું-નબળું-નપુંસક મિશ્રણ એટલે આશ્રમ! બેકાર સ્ક્રિપ્ટ, લસ્ત દિગ્દર્શન, નબળી સિનેમેટોગ્રાફી ને અતિશય બેહુદા મ્યુઝિકને લીધે પ્રેક્ષક માટે ‘આશ્રમ’ નર્ક બની શકે છે. કાલ્પનિક શહેર કાશીપુરના બની બેઠેલા ગોડ-મેન બાબા નિરાલા (બોબી દેઓલ) ધર્મની આડમાં ગોરખધંધા કરતો ગુંડો છે. બે યુવા દલિત ભાઈ-બહેન સત્તી (તુષાર પાંડે) અને પમ્મી ઉર્ફે પરમિંદર (અદિતી પોહંકર) એમની આ જાળમાં સપડાય છે. કહેવાતી ઊંચી-નીચી જાતના ભેદભાવના મુદ્દા સાથે શરૂ થતી આ સીરિઝ દર અડધી કલાકે વિષય બદલી નાંખે છે. શહેરમાંથી લાશો મળવાના સિલસિલા શરૂ થાય છે, જેની તપાસમાં લાગેલા ઇન્સ્પેક્ટર ઉજાગર સિંહ (દર્શન કુમાર) અને ફોરેન્સિક ડૉક્ટર નતાશા (અનુપ્રિયા ગોયેંકા) સામે અવનવા તથ્યો ઉજાગર થતાં રહે છે.

સૌથી પહેલા તો સાહેબ, સીરિઝના તમામ (અફકોર્સ, બોબી દેઓલને બાદ કરતાં) કલાકારોને સિને’મા’ વતી સ્ટેન્ડિંગ ઑવેશન! બોબી દેઓલ વિશે ગયા અંકના ‘ક્લાસ ઑફ 83’ના રિવ્યૂમાં ઘણું વાંચી ચૂક્યા છીએ, એટલે એની વાહિયાત એક્ટિંગનું એનેલિસીસ કરવામાં સમય નહીં બગાડીએ. અદિતિ પોહંકર થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી વેબસીરિઝ ‘શી’માં મુખ્ય કિરદાર નિભાવી ચૂકી છે. અફસોસ એ વાતનો છે કે, ‘શી’ની માફક અહીં તેને પોતાના પાત્રને વિકસાવવાનો મોકો નથી મળ્યો. દર્શન કુમાર, અનુપ્રિયા ગોયેંકા, રાજીવ સિદ્ધાર્થ (રોમિલ એન્ડ જુગલ સ્ટારર)ના પાત્રોને પણ આ સમસ્યા નડી છે. ‘બંદિશ બેન્ડિટ્સ’ સ્ટારર ત્રિધા ચૌધરીના નામનો ઉલ્લેખ કરવો જરૂરી બની જાય છે. ‘બબિતા’ના પાત્રને સીરિઝમાં પાછલા બે-ત્રણ એપિસોડમાં જ ચમકવાનો મોકો મળ્યો હોવા છતાં તે પ્રેક્ષકોના દિલોદિમાગ ઉપર છાપ છોડીને જાય છે. સિનેમાના શબ્દો લખી રાખો સાહેબ, ત્રિધા ચૌધરીને યોગ્ય તક મળી તો બોલિવૂડને હલબલાવી દેવાની ક્ષમતા તેના અભિનયમાં છે.

‘આશ્રમ’ પોતાના વિષયવસ્તુથી ભટકીને આમથી તેમ ભમ્યા રાખે છે એ તેનો સૌથી મોટો વાંધો ગણી શકાય. જાતપાતના ભેદભાવ અને ભ્રષ્ટાચારના સંદેશા સાથે શરૂ થયેલી સીરિઝમાં પરાણે સેક્સ ઘુસાડવાનો કોઈ અર્થ ખરો? અરે, હદ્દ તો ત્યારે થઈ ગઈ, જ્યારે સેક્સ-સીન દરમિયાન કલાકારો એકબીજા સાથે કમ્ફર્ટેબલ થઈને લિપ-લૉક કિસ પણ ન કરી શક્યા! પાંચ વર્ષનું છોકરું પહેલી વખત ચુંબન કરી રહ્યું હોય એટલી અપરિપક્વતા સખત અને સતત ખટકે છે. બિનજરૂરી ગાળો, લાંબાલચક ભંગાર ગીતો અને નગ્ન શરીરો ’આશ્રમ’ને કંટાળાજનક બનાવે છે. લૈલા, સેક્રેડ ગેમ્સ અને અમુક અંશે પાતાળ લોકની નબળી નકલ સમી ’આશ્રમ’ કોઈ જાતના હેતુ વગર ડેઇલી શૉપ-ઑપેરાની જેમ ખેંચાતી જાય છે. નવા નવા પાત્રો ઉમેરાતા જાય છે, જેમને દ્રશ્ય અને સ્પેસ આપવાના ચક્કરમાં મૂળ વાર્તાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કોઈ કારણ વગર બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે વાગ્યા કરતો ’ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ’નો મંત્ર વાર્તાની અધૂરી સમજ તરફ અંગુલિનિર્દેશ કરે છે. સંસ્કૃત મંત્રોને જ્યાં સુધી ચોક્કસ હેતુ સાથે ઉપયોગમાં લેવા આવે ત્યાં સુધી ઠીક છે, બાકી કેટલા મિસફિટ લાગી શકે એનો જીવંત પુરાવો ’આશ્રમ’ છે.

હવે મહાભયાનક અને આખરી ત્રાસની વાત પર આવું. સરેરાશ ૪૦ મિનિટના નવ એપિસોડ જોયા બાદ કોઈ તારણ વગરનો ક્લાયમેક્સ મગજની નસો ફાડી નાંખે છે. સામાન્યતઃ વેબસીરિઝની એક સિઝન પૂરી થાય એટલે (થોડોક તો થોડોક) સંતોષકારક ક્લાયમેક્સ તો અપાતો જ હોય છે, પણ અહીં દર્શાવાયેલો છેલ્લો એપિસોડ જોઈને એવો અનુભવ થાય જાણે વર્ષો વેડફી નાંખ્યા હોય! બીજી સિઝન નથી જ જોઈતી, બાપ્પા. ખોટું કષ્ટ ઉઠાવવાની જરૂર નથી! મિસ્ટર પ્રકાશ ઝા… મારા હાથમાં એ વખતે ધોકો નહોતો, બાકી ટીવી તૂટી ગયું હોત આજે!

ક્લાયમેક્સ : સિને’માં’ની ધારણા એ છે કે, બાબા નિરાલાના નામનો જે ’નિ’ છે એ નિત્યાનંદ માટે અને ’રા’ રામ રહિમ સિંઘ માટે છે! બંને બાબાના પાખંડ અને વાસનામય સ્વભાવથી તો હવે આપ વાકેફ જ છો. પણ ’લા’ કોના માટે હોઈ શકે? મનમાં કોઈ નામ ચમકે છે ખરું?

કેમ જોવી? : વેબસીરિઝોમાં ગાળો, સેક્સ, મવાલીપણું જોઈ જોઈને થાક્યા ન હો તો!

કેમ ન જોવી? : મુખ્ય કિરદાર બોબી દેઓલ નિભાવી રહ્યો છે, એ જાણતા હોવા છતાં આ પ્રકારનો સવાલ તમે પૂછી જ કઈ રીતે શકો?

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

More from EntertainmentMore posts in Entertainment »
error: Content is protected !!