Press "Enter" to skip to content

JL 50 : અધકચરું ધાન! – Review of Sony LIV original web-series ‘JL 50’ by Parakh Bhatt

એક કબૂલાત. માયથોલોજિકલ સાયન્સ ફિક્શન એ મને અતિશય ગમતો જોન્રે છે. વાચક અને પ્રેક્ષક તરીકે આવી વાર્તાઓ માણવા માટે હું સતત ભૂખ્યો હોઉં છું. ભારતીય સિનેમાજગતમાં આ પ્રકારના કથાનકોને સાવ ઓછું સ્થાન મળ્યું છે. પરંતુ હવે ફરી વખત આશા બંધાઈ છે. પશ્ચિમી જગત પાસે ભલે અગાથા ક્રિસ્ટી, જેમ્સ પેટરસન જેવા સુપરહિટ સસ્પેન્સ લેખકો હોય, પરંતુ આપણી પાસે અશ્વિન સાંઘી, ક્રિસ્ટોફર સી. ડોયલ, એસ.વેંકટેશ, વિનીત બાજપેઇ જેવા માયથોલોજિકલ સસ્પેન્સ થ્રિલર રાઇટર્સ છે, જે ભારતના સદીઓ જૂના પૌરાણિક જગતને આજની દુનિયા સમક્ષ લાવવાનું કામ કરી રહ્યા છે. હકારાત્મક વાત એ છે કે, આ તમામ ભારતીય લેખકો બેસ્ટ-સેલર્સ છે! એમની વાર્તાઓ અને નવલકથાઓના કૉપીરાઇટ્સ ધડાધડ વેચાઈ રહ્યા છે. કરણ જોહરની ’બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ સાથે ભારતીય સિનેમાજગતનો એક નવો દૌર શરૂ થશે, એવું હું દ્રઢપણે માનું છું. પ્રભાસ પણ ભગવાન રામ પર આધારિત મોડર્ન સાયન્સ ફિક્શન ફિલ્મ ‘આદિપુરૂષ’ લઈને આવી રહ્યો છે, જેમાં દીપિકા પદુકોણ, સૈફ અલી ખાન મહત્વની ભૂમિકામાં છે.

સોની લિવ પર રીલિઝ થયેલી વેબસીરિઝ ‘જે.એલ.૫૦’ ટાઇમ-ટ્રાવેલ આધારિત વાર્તા છે. વર્ષ ૧૯૮૪માં ગાયબ થયેલું જે.એલ.૫૦ વિમાન ૩૫ સાલ બાદ એટલે કે વર્ષ ૨૦૧૯માં મળી આવે છે. સી.બી.આઈ. જાંચ દરમિયાન ઓફિસર શાંતનુ (અભય દેઓલ) વિમાન-ક્રેશમાંથી બચી ગયેલી પાઇલટ બિહુ (રિતિકા આનંદ) સાથે વાતચીત કરે છે, જેના આધારે ખ્યાલ આવે છે કે કેટલાક વૈજ્ઞાનિકો અને આતંકવાદીઓ આની પાછળ સંડોવાયેલા છે.

મારી કોરી કલ્પના છે કે જે.એલ.૫૦ એ વાસ્તવમાં એક ફિલ્મ હોવી જોઈએ, જેના ચાર ટુકડા કરીને વેબસીરિઝ ફોર્મેટમાં પીરસી દેવામાં આવી છે. ફક્ત ૩૦ મિનિટના ૪ એપિસોડ્સ! ગજબ અન્યાય છે, સાહેબ. વાર્તા હજુ માંડ પાટા પર ચડી હોય એવું લાગે ત્યાં ક્લાયમેક્સ આવી જાય છે. ભારતના ઇતિહાસ અને પુરાણને કેવી રીતે અહીં સાંકળવામાં આવ્યા છે એના વિશે વાત નહીં કરું, કારણકે આ સ્પોઇલર-ફ્રી રિવ્યુ છે. એ તમે જોશો તો ખ્યાલ આવી જશે. મુદ્દાની વાત એ છે કે વાર્તામાં જે પ્રકારના ઊંડાણની અપેક્ષા અને જરૂરિયાત હતી એ લાવવામાં ડિરેક્ટર શૈલેન્દ્ર વ્યાસ અમુક અંશે નિષ્ફળ રહ્યા છે. આટલા જબરદસ્ત પ્લોટ સાથે ઘણું થઈ શકે એમ હતું. રાજેશ શર્મા, પંકજ કપૂર, પિયુષ મિશ્રા અને રિતિકા આનંદના પાત્રો સમય-મર્યાદાને કારણે અધકચરા વિકસ્યા હોય એવું લાગે છે.

સાયન્સના વિદ્યાર્થી તરીકે ક્વૉન્ટમ ફિઝિક્સથી સારી રીતે વાકેફ છું, માટે મારા મનમાં ટાઇમ-ટ્રાવેલ અંગે ઝાઝા પ્રશ્નો ન ઉદ્ભવ્યા. પરંતુ અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા દર્શક મિત્રો ક્વૉન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતોથી વાકેફ ન હોય એવું પણ બને. એમના માટે જે બેઝિક માહિતી હોવી જોઈતી હતી, એનો અહીં સંપૂર્ણપણે અભાવ છે. ક્રન્ચી અને ક્રિસ્પી બનાવવાના ચક્કરમાં ડિરેક્ટર શૈલેન્દ્ર વ્યાસે વેબસીરિઝને રાજધાની એક્સપ્રેસ બનાવી દીધી છે. અભય દેઓલ, રાજેશ શર્મા, પિયુષ મિશ્રા અને પંકજ કપૂર… આ એવા નામો છે, જેના અભિનયને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. ફક્ત એક શબ્દ કાફી છે : ફેન્ટાસ્ટિક! બેકગ્રાઉન્ડ સ્કોર, અભિનય, દિગ્દર્શન, સિનેમેટોગ્રાફી અફલાતુન, પરંતુ મેકર્સ એડિટિંગમાં થાપ ખાઈ ગયા છે. બાય ધ વે, ફિલ્મમાં મુખ્ય કિરદાર નિભાવી રહેલી અભિનેત્રી રિતિકા આનંદ પોતે આ સીરિઝની પ્રોડ્યુસર છે. અભિનય બાબતે તેના સાથી કલાકારો કરતા ઊણી ઉતરે છે.. પણ ઑવરઓલ, સારું પર્ફોમન્સ આપ્યું છે. બીજી સિઝન માટેના એંધાણ ક્લાયમેક્સમાં જણાયા છે. દર્શકોને પહેલી સિઝન બેશક ગમશે. સારી વાર્તા માટે દર્શક હંમેશા ભૂખ્યો જ હોય છે, માટે કદાચ એવું લાગી શકે ‘જે.એલ.૫૦’ને થોડી વધુ લાંબી અને ઊંડાણ ધરાવતી સાયન્ટિફિક ફિક્શન સીરિઝ બનાવવામાં આવી હોત તો વધારે મજા આવત. પણ ખેર, ભારતના સિનેમાજગત માટે આ રીતે પા-પા પગલી માંડવાથી પણ બદલાવ આવવાની સંભાવના હોય તો હજાર ભૂલ પણ માફ છે.

ક્લાયમેક્સ : જે.એલ.૫૦ સિવાય આ અઠવાડિયે ડિઝની પ્લસ પર ‘મુલાન’ પણ રીલિઝ થઈ છે. અને હા, રોનિત રોય તથા ટિસ્કા ચોપરા સ્ટારર ‘હૉસ્ટેજ-૨’ ૯મી સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે, હોટસ્ટાર પર! આવતાં અઠવાડિયે તેના રિવ્યુ સાથે હાજર થઈશું.

કેમ જોવી? : માયથોલોજિકલ સાયન્સ-ફિક્શન થ્રિલરના ચાહક હો તો!

કેમ ન જોવી? : અધકચરી વાર્તા જોઈને અસંતોષ અને હજુ વધારે માણી ન શકવાની વેદનાથી જીવ ન બાળવો હોય તો!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

More from EntertainmentMore posts in Entertainment »
More from LiveMore posts in Live »

Comments are closed.

error: Content is protected !!