Press "Enter" to skip to content

ચુડેલ્સ : ડિજિટલ પ્લેટફોર્મ પર પાકિસ્તાનની ઘૂસણખોરી! – Review of Zee5 Club original ‘Churails’ (First Pakistani Webseries) by Parakh Bhatt

૨૦૧૬ના ઉરી હુમલા વખતે ભારતભરમાં પાકિસ્તાની કૉન્ટેન્ટ અને કલાકારો પર બેન લગાવવાની ચળવળ શરૂ થઈ હતી. એ સમયે પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન (કપૂર એન્ડ સન્સ સ્ટારર), ગાયક રાહત ફતેહ અલી ખાન સહિતના ઘણા કલાકારોને ભારતમાં કામ મળી રહ્યું હતું. ત્યારબાદ નિર્ણય લેવાયો કે હવેથી પાકિસ્તાની ચેનલના પ્રસારણ પર રોક લગાવવામાં આવશે. ફક્ત એટલું જ નહીં, પાકિસ્તાની અભિનેતા-અભિનેત્રી તથા અન્ય કલાકારોને પણ કામ આપવામાં નહીં આવે. કરણ જોહરના ચહિતા (!!) ફવાદ ખાને હંમેશા માટે બોલિવૂડને અલવિદા કહેવું પડ્યું. પરંતુ હવે ફરી એક વખત ઇન્ડિયન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે.

ઝી નેટવર્કના ઑટીટી પ્લેટફોર્મ ‘ઝી ફાઇવ’ પર એક અઠવાડિયા પહેલા એટલે કે ૧૧મી ઑગસ્ટે ‘ચુડેલ્સ’ રીલિઝ થઈ. ના, નામ ઉપરથી તેને હોરર વેબસીરિઝ ધારવાની જરૂર નથી. પાકિસ્તાનના કરાંચીમાં રહેતા ચાર પરિવારોની વાત છે. કરાંચીના હુઝ-હુ ગણાતા હાઇ-પ્રોફાઇલ બિઝનેસમેન જમીલ ખાનની પત્ની સારા (સરવત ગિલાની મિર્ઝા) પોતાના લફરાબાજ પતિ સામે અવાજ ઉઠાવવાનું નક્કી કરે છે. ભૂતકાળમાં પોતાના આફ્રિકન પતિ પાસેથી તલાક લઈ ચૂકેલી જુગનૂ (યસરા રિઝવી), પતિના ખૂન માટે ૨૦ વર્ષનો જેલવાસ ભોગવી ચૂકેલી બતૂલ (નિમરા બુચા), પોતાના પિતાની મારપીટ તથા ત્રાસથી કંટાળેલી ઝુબૈદા (મેહર બાનો) એકજૂઠ થઈને સારા સાથે એક સિક્રેટ ડિટેક્ટિવ એજન્સી શરૂ કરે છે, જેની ઇર્દગિર્દ વાર્તા ઘૂમે છે. મજાક-મસ્તીમાં શરૂ કરેલી આ એજન્સી જોતજોતામાં એક એવી ભયંકર મુશ્કેલીમાં સપડાય છે, જેના તાણાવાણા પાકિસ્તાનના મોટા મોટા રાજકારણી, સરકારી અધિકારી સાથે ગૂંથાયેલા છે. પાકિસ્તાનના કરાંચીમાં ઘૂમતી પટકથા પુરૂષપ્રધાન સમાજ પર મારવામાં આવેલું વૈશ્વિક ચાબખું છે!

બેશક, પાકિસ્તાની કૉન્ટેન્ટ આપણા દેશના જવાનો અને ઇન્ડિયન આર્મીની ગરિમાથી વિશેષ નથી. પરંતુ જ્યાં સુધી ‘ચુડેલ્સ’ જેવી વેબસીરિઝની વાત છે ત્યાં સુધી એટલું સમજવું જરૂરી છે કે દેશહિતને હાનિ ન પહોંચાડે અને સામાજિક સુધારને પ્રાધાન્ય આપતા કૉન્ટેન્ટ માટે કોઈ સીમા ન હોવી જોઈએ. આર્થિક લાભ સિવાયના દ્રષ્ટિકોણ પર નજર કરીએ તો સમજાય કે, ભારતમાં એકતા કપૂર જેવા ફિલ્મ-મેકર્સ કૉડ-એમ, ધ ટેસ્ટ કેસ, ગંદી બાત સહિતની કૃતિ બનાવતા રહેશે ત્યાં સુધી દેશનું અપમાન તો થઈ જ રહ્યું છે ને!? પહેલા તો આમના કૉન્ટેન્ટ પર રોક લગાવવાની જરૂર છે. નહીંતર ‘ઘર કા ભેદી લંકા ઢાએ’ જેવો ઘાટ સર્જાશે! આધુનિકતાના નામ પર તે સમાજને લૂણો લગાડી રહ્યા છે!

મૂળ કરાંચીમાં જન્મીને ત્યાં જ ઉછેર પામેલા અને હાલ લંડનના રહેવાસી એવા આસિમ અબ્બાસીએ ‘ચુડેલ્સ’થી વેબસીરિઝની દુનિયામાં ડિજિટલ ડેબ્યુ કર્યું છે. આ પહેલા તેઓ ૨૦૧૮ની સાલમાં નેટફ્લિક્સ માટે ‘કેક’ નામની એક સુંદર ફિલ્મ બનાવી ચૂક્યા છે, જે ઓસ્કાર અવોર્ડ્સ સુધી પહોંચી હતી. અલબત્ત, તેને નોમિનેશન નહોતું મળ્યું, પરંતુ વિવેચકોએ ભરપૂર વખાણી હતી અને નેટફ્લિક્સ પર તેને કરોડો દર્શકો પણ મળ્યા હતા. તેની વાર્તા આસિમ અબ્બાસીના અંગત જીવનની આજુબાજુ વણાયેલી હતી. પાકિસ્તાનમાં વસતા મુસ્લિમ પરિવારોની વિચારધારા અને ઉછેર પદ્ધતિ વિશે વાત કરવામાં તેઓ એક્કા પૂરવાર થયા છે.

વાર્તા ભલે કરાંચીના પરિવારોની વાત હોય, પરંતુ લાગુ તો વિશ્વના તમામ દેશોના પુરૂષપ્રધાન સમાજને પડે છે. ચારેય સ્ત્રીઓ ભેગી મળીને બુરખા આઉટલેટ ખોલે છે, જેનું નામ રાખે છે : હલાલ ડિઝાઇન્સ!  જેની આડમાં ચાલે છે, ‘ચુડેલ્સ’ ડિટેક્ટિવ એજન્સી! ઈસ્લામિક સમાજમાં સ્ત્રીઓ માટે પાબંદીઓ વધુ જોવા મળે છે, એમાં બેમત નથી. એ તમામ બંધનોને હલાલ કરીને પોતાના હકની સ્વતંત્રતા છીનવવાનો સંદેશો અહીં અપાયો છે. પૈસાની ચકાચૌંધ વચ્ચે કચડાતા સંબંધો અને લિપસ્ટિકની લાલી પાછળ છુપાયેલી ગમગીની એ આ સીરીઝનો પ્રાણ છે.

ડિરેક્ટર આસિમ અબ્બાસી બે વર્ષ પહેલા આ સીરિઝને બે કલાકની ફીચર ફિલ્મ તરીકે લખી રહ્યા હતા. પરંતુ લખતી વેળા એમને અહેસાસ થયો કે આ પાત્રોની વિશાળફલકતાને બે કલાકમાં સમાવવી શક્ય નથી, આથી એમણે વેબસીરિઝ ફોર્મેટમાં ૧૦ એપિસોડ લખ્યા. એવામાં ’ઝી નેટવર્ક’ તરફથી એમનો સંપર્ક સાધવામાં આવ્યો. પાકિસ્તાની ચેનલ ’ઝિંદગી’ને નવેસરથી લૉન્ચ કરવાની વિચારણા ચાલી રહી હતી. ’ઝી ફાઇવ’એ સીરિઝનો કૉન્સેપ્ટ સાંભળીને તરત તેને પોતાના પ્લેટફોર્મ પર રીલિઝ કરવાની હા ભણી દીધી. ધિસ ઈઝ જસ્ટ ધ બીગિનીંગ! ‘ઝી ફાઇવ’એ ’ઝિંદગી’ સાથે ૧૦૦૦ કલાકથી વધુનું કૉન્ટેન્ટ પ્રોડ્યુસ કરવા માટેના કરાર કર્યા છે. આગામી સમયમાં ઘણા પાકિસ્તાની વેબ-શૉ અને ફિલ્મો ભારતમાં રીલિઝ થશે. મેં પહેલા કહ્યું એમ, જ્યાં સુધી દેશહિતને કોઈ નુકશાન નથી પહોંચતું અને નાગરિકોની ધાર્મિક લાગણી દુભાવતું કોઈ કૉન્ટેન્ટ બહાર નથી આવતું ત્યાં સુધી વિશ્વના તમામ દેશોના કોન્ટેન્ટને મુક્ત્ત આકાશ મળવું જોઈએ.

નેટફ્લિક્સ એક ગ્લોબલ પ્લેટફોર્મ છે, જેના મૂળિયા ભારતમાં નહીં પણ વિદેશમાં રોપાયેલા છે. આથી તેના પર રીલિઝ થતાં પાકિસ્તાની કૉન્ટેન્ટ પર આપણી રોકટોક શક્ય નથી. પરંતુ ‘ઝી ફાઇવ’ ભારતીય પ્લેટફોર્મ છે, આથી તેઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે પાકિસ્તાની એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રી તરફથી કોઈ એવી કૃતિ ન ખરીદાઈ જાય જે લોકજુવાળમાં પરિણમે!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

More from EntertainmentMore posts in Entertainment »
error: Content is protected !!