Press "Enter" to skip to content

વડોદરામાં એક જ નંબરના બે વાહનો : મારી એક્ટિવા બ્લેક છે અને પોલીસે મને સફેદનો મેમો મોકલી આપ્યો – ચિરાગભાઇ પટેલ

  • કાળા રંગની એક્ટિવા અને સફેદ રંગની એક્ટિવાનો નંબર એક જ સરખો
  • માસ્ક વિના સફેદ રંગની એક્ટિવા લઇને નિકળેલા યુવકનો મેમો ચિરાગ પટેલને મળ્યો
  • મેમો ઘરે આવતા એક્ટિવાના માલિકને જાણ થતા સમગ્ર મામલો બહાર આવ્યો

વડોદરા. શહેરમાં એક જ નંબરની પણ જુદા જુદા રંગની બે એક્ટિવા ફરી રહીં હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક્ટિવા ચાલક મહિલાને જ્યારે ટ્રાફિક વિભાગ તરફથી રૂ. 1000નો દંડ ફટકારતો ઇ-મેમો ઘરે મોકલવામાં આવ્યો ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. જોકે મહિલા પાસે કાળા રંગની એક્ટિવા છે જ્યારે મેમોમાં દરશાવેલી સફેદ રંગની એક્ટિવા જોવા મળી રહીં છે. જેમાં એક યુવક એક્ટિવા લઇને પસાર થઇ રહ્યો છે. આ મામલે એક્ટિવાના માલિક ચિરાગ પટેલ પોલીસ વિભાગને જાણ કરવા અંગે તજવીજ શરૂ કરી છે.

શહેરના લાલ કોર્ટ પાસે રહેતા ચિરાગભાઇ પટેલ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચિરાગભાઇના પત્ની પાસે તેમના નામની કાળા રંગની એક્ટિવા છે. ગત રોજ તેમના ઘરે ટ્રાફિક વિભાગ દ્વારા એક ઇ-મેમો મોકલવામાં આવ્યો હતો. જેમાં ચિરાગભાઇના પત્ની દર્શનાબહેને માસ્ક પહેર્યા વિના કારેલીબાગ વિસ્તારમાં એક્ટિવા લઇને નિકળ્યાં હોવાથી તેઓને રૂ. 1000નો દંડ ફટકારતો મેમો આપવામાં આવ્યો હોવાનુ જણાવ્યું હતુ. જોકે પોલીસ વિભાગ તરફથી ચિરાગભાઇને મોકલવામાં આવેલા ઇ-મેમોમાં જે ફોટો આપવામા આવ્યો છે. તેમાં એક યુવાન સફેદ રંગની એક્ટિવા પર માસ્ક વિના જતો જોવા મળી રહ્યો છે.

દંપતિને મળેલા ઇ-મેમોને પગલે તેમણે ટ્રાફિક વિભાગને જાણ કરતા એક જ નંબરની પણ જુદા જુદા રંગની એક્ટિવા શહેરમાં ફરતી હોવાનુ ચિરાગભાઇના ધ્યાને આવ્યું હતુ. આ અંગે તેઓએ વાત કરતા જણાવ્યુ હતુ કે, મારી પાસે કાળા રંગની એક્ટિવા છે પણ મારા ઘરે આવેલા ઇ-મેમોમાં સફેદ રંગની એક્ટિવાનો ફોટો છે. બન્ને એક્ટિવાના નંબરો એક સરખા હોવાથી મારા ઘરે મેમો આવ્યો છે. મારી ગાડીની આર.સી બુકમાં પણ આજ નંબર છે. ભવિષ્યમાં કોઇ વ્યક્તિ આ સફેદ રંગની એક્ટિવા મારફતે કોઇ ગુનાહિત કૃત્ય કરે તો તેની જવાબદારી કોણી ? ચિરાગભાઇ પટેલે એમ પણ જણાવ્યુ હતુ કે, આ મામલે હું અમારા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવા જઇ રહ્યું છે.

આમ શહેરમાં એક જ નંબરની બે એક્ટિવા ફરતી હોવાનો કિસ્સો સામે આવતા હવે પોલીસ પણ હરકતમાં આવી સફેદ રંગની એક્ટિવા ચાલકની શોધખોડ કરે તેવી શક્યતા છે.

More from CrimeMore posts in Crime »
More from LiveMore posts in Live »

Comments are closed.

error: Content is protected !!