Press "Enter" to skip to content

LIVE WIRE – પ્રણવ દા : રાજકારણના નિર્વિવાદી અધ્યાયનું સ્વધામ ગમન

‘સ્વતંત્ર પત્રકારત્વ વગરની લોકશાહી એ કોરા કાગળ જેવી છે. કોઈ પણ પક્ષ કે રાજકારણી બીજાનો અવાજ સાંભળ્યા વગર ફક્ત પોતાની જ મનમાની કર્યે રાખશે, તો આપણે લોકશાહીને ગુમાવી બેસીશું.’

– દિવંગત પ્રણવ મુખર્જી (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ)

તેઓ જાહેરમાં હંમેશા એવું જ કહેતા કે, વડાપ્રધાનની ખુરશી એમના માટે બની જ નથી! પરંતુ હકીકત તો એ છે કે સાઉથ બ્લોકમાં આવેલી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી કામ કરવાની ઇચ્છા એમને આજીવન રહી હતી. 1986ની સાલમાં ‘રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ’ પક્ષ ઊભો કરીને તેઓ ગાંધી વિચારધારાથી અલગ પડ્યા, એની પાછળનું કારણ પણ આ આને જ ગણાવી શકાય. તેમને હંમેશા એવું લાગ્યું કે ઇન્દિરા ગાંધીએ રાજીવ ગાંધીને વડાપ્રધાન પદ માટે યોગ્ય ઠેરવીને એમની વફાદારીનું અપમાન કર્યું છે. આમ છતાં 1989ની સાલ પછી તેઓ કોંગ્રેસની ઢાલ બનીને છેક સુધી અણનમ રહ્યા, એ સ્વીકારવું રહ્યું.

પ્રણવ મુખર્જી શિક્ષક બનવા માંગતા હતા, પરંતુ જર્નલિસ્ટ બન્યા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો. ઇન્ડો-યુ.એસ. ન્યુક્લિયર સંધિમાં એમની ભૂમિકા અગત્યની રહી. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, પદ-પ્રતિષ્ઠા-ઉંમરને કારણે વડાપ્રધાન બન્યા પછી પણ મનમોહન સિંઘ એમને ‘સર’નું સંબોધન કરતા હતા, જે પ્રણવ મુખર્જીને અતિશય ખટકતું હતું. આ વાત મનમોહન સિંઘના ધ્યાનમાં આવતા એમણે છેવટે ‘પ્રણવ જી’ કહેવાનું શરૂ કર્યું અને પ્રણવ મુખર્જીએ એમને ‘ડૉ. સિંઘ’!

૮૪ વર્ષીય પ્રણવ મુખર્જી આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે. તેઓ છેક સુધી દેશવાસીઓ માટે ‘પ્રણવ દા’ જ રહ્યા. લોકોના દિલની સતત નજીક! ત્રણ કોંગ્રેસ રાષ્ટ્રપતિઓ અને કેટકેટલા વડાપ્રધાનોના તેઓ અંગત રહ્યા. કોંગ્રેસે એમના પર આંખ બંધ કરીને હંમેશા ભરોસો કર્યો. ઇન્દિરા ગાંધીના સૌથી માનીતા અને વિશ્વાસુ માણસોમાં એમની ગણતરી થતી હતી. ઇન્દિરા ગાંધી એમને વડાપ્રધાન પદ સોંપશે એવી ચર્ચા ૮૦ના દાયકામાં ચર્ચાવાની શરૂ થઈ ગઈ હતી. આમ છતાં રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા, એ વાતથી તેઓ ઘણા દુઃખી થયા હતા. ૧૯૮૬ની સાલમાં ‘રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ’ નામે બંગાળમાં નવો પક્ષ ઊભો કરીને એમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ ત્રણ વર્ષોમાં એ પાર્ટી કોંગ્રેસમાં ભળી ગઈ. કોંગ્રેસે ફરી એમનો સ્વીકાર કર્યો. પરંતુ દરેક રાજકારણી અને રાજકીય પાર્ટી પોતાની સાથે થયેલા દગાને કદાચ જીવનભર ભૂલી નથી શકતી એ હકીકત છે. એ ભાજપ હોય કે કોંગ્રેસ! પાર્ટી પોલિટિક્સને કારણે બબ્બે વખત એમની પાસેથી વડાપ્રધાન પદ છીનવવામાં આવ્યું. તેઓ હકદાર હોવા છતાં પ્રાઇમ મિનિસ્ટર ન બની શક્યા. ૨૦૦૪માં પણ સોનિયા ગાંધી પાસે વિકલ્પો હતા. ગાંધી પરિવારમાંથી વડાપ્રધાન પદ પર ’ગાંધી’ સિવાયને બેસાડવાની ચર્ચા શરૂ થઈ ચૂકી હતી. એ વખતે પ્રણવ દા ને પૂરો વિશ્વાસ હતો કે જે વ્યક્તિને તેઓ આંગળી પકડીને રાજકારણમાં લઈ આવ્યા છે એવા સોનિયા ગાંધી એમને વડાપ્રધાન જરૂર બનાવશે, પણ એવું થયું નહીં. આ ઘટના યાદ કરતી વખતે મનમોહન સિંઘ પણ ઘણી વખત ખેદ વ્યક્ત કરે છે. એમના માટે પ્રણવ દા સિનિયર નેતા હતા. તેઓ વારંવાર કહી ચૂક્યા છે કે, ‘૨૦૦૪માં વડાપ્રધાન પદ પર નામ નક્કી કરવાની સત્તા મારા હાથમાં નહોતી. બાકી તો પ્રણવ દા પણ મારા સ્વભાવથી બરાબર રીતે વાકેફ છે.’

૧૯૬૩ની સાલમાં પોલિટિકલ સાયન્સ અને હિસ્ટ્રી અને લૉની ડિગ્રી સાથે તેઓ કલકત્તાની વિદ્યાનગર કોલેજ અને હાવરા ચૈતન્ય કોલેજમાં પોલિટિકલ સાયન્સ ભણાવી રહ્યા હતા. એમને લાગ્યું કે હવે મંઝિલ મળી ગઈ છે. પરંતુ ૧૯૬૯ની સાલમાં ભાગ્ય પલટાયું. વી.કે. કૃષ્ણા મેનન લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા, જેમાં પ્રણવ મુખર્જીનું યોગદાન નોંધનીય રહ્યું. ત્યારથી શરૂ કરીને રાષ્ટ્રપતિ બનવા સુધીની એમની રાજકીય સફર ઘણા રાજકારણી માટે નિર્ણાયક બની. એમણે એકલા હાથે ઘણા નેતાઓને ટેકો આપીને વિજયી બનાવ્યા. ૧૯૮૨ની સાલમાં તેઓ દેશની અત્યંત મહત્વની પોઝિશન એટલે કે ફાયનાન્સ મિનિસ્ટરના પદ સુધી પહોંચ્યા. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ એમને વડાપ્રધાન પદ ન મળવાથી તેઓ ૧૯૮૪થી ૧૯૮૯ની સાલ સુધી કોંગ્રેસ પાર્ટીમાંથી અલિપ્ત થયા એ સમયગાળા દરમિયાન તેઓ ખાસ કશું ન કરી શક્યા.

મનમોહન સિંઘના વડાપ્રધાન બન્યા પછી ઘણા રાજકીય મુદ્દે બંને વચ્ચે સંમતિ નહોતી સાધી શકાતી. અને સાવ એવું પણ નહોતું કે એમને વડાપ્રધાન બનાવવાની રેસમાંથી બહાર કરી નાંખવામાં આવ્યા હોય! ૨૦૦૭ની સાલમાં એક કોશિશ થઈ હતી. કોંગ્રેસે શિવરાજ પાટિલ, સુશીલ કુમાર શિંદે અને પ્રણવ મુખરજીનું નામ આગામી વડાપ્રધાન માટે સૂચવ્યું હતું. પરંતુ યુપીએ ગવર્નમેન્ટમાં પ્રણવ દા નું કોઈ જ રિપ્લેસમેન્ટ ન હોવાથી કોંગ્રેસ પાર્ટી એમને ગુમાવી શકે એમ નહોતી. ૨૦૧૨ની સાલમાં રાષ્ટ્રપતિ પદ પણ એમને કંઈ તરત નહોતું મળી ગયું. પાર્ટીના સભ્યો વચ્ચે ઘણી ચર્ચા ચાલી હતી. સોનિયા ગાંધી તો એમને હજુ પણ અંદરના વર્તુળમાં જ રાખવા માંગતા હતા. પરંતુ અન્ય સભ્યોના નિર્ણયની સામે એમણે નમવું પડ્યું. પ્રણવ મુખર્જી માટે રાખવામા આવેલા વિદાય સમારંભમાં સોનિયા ગાંધીએ છડેચોક કહ્યું હતું કે, ‘મને પ્રણવ દા ના ટેન્ટ્રમ્સ (અવનવી માંગો/મૂડી સ્વભાવ) યાદ આવશે.’

૨૦૧૪માં ભાજપની સરકાર કેન્દ્રમાં આવી એ પછી પ્રણવ મુખર્જી સાથે નરેંદ્ર મોદીના સંબંધો ઉષ્માપૂર્ણ રહ્યા હતા. ગઈકાલે જ નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રણવ મુખર્જીને ચરણ-સ્પર્શ કરતો ફોટો અપલોડ કરીને એમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. પ્રણવ મુખર્જીના મળતાવડા સ્વભાવને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને એમના માટે અત્યંત લગાવ હતો. કોઈ રાગ-દ્વેષ વગર બંને પાર્ટીના સભ્યો એમના મિત્રો હતા, જે આજની તારીખે જૂજ કિસ્સામાં જોવા મળતું હોય છે. અને એટલે જ કદાચ, ભાજપની કેન્દ્રસત્તાના સમયમાં પ્રણવ મુખર્જીને દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી નવાજવામાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદીએ એમને પિતાતુલ્ય માન્યા હતા. તેઓ દિલ્હીમાં વડાપ્રધાન પદ પર સત્તારૂઢ થયા ત્યારે પ્રણવ મુખર્જીએ એમને ઘણું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું એવું નરેન્દ્ર મોદી પોતાની પોસ્ટમાં લખે છે. એક વાત તો નક્કી છે સાહેબ, ભારતીય રાજકારણને એક ઉત્તમ નેતાની ખોટ પડી છે. એક મહાન વિચારકે કહ્યું છે કે, જ્યારે એક વયોવૃદ્ધ વ્યક્તિ અવસાન પામે છે, ત્યારે તેની સાથે આખેઆખી એક લાઈબ્રેરી પણ જમીનદોસ્ત થાય છે! પ્રણવ મુખર્જી ભારતના રાજકારણનું એક એવું અંગ હતા, જેનું મૂલ્ય આંકી શકાય એમ નથી. રેસ્ટ ઇન પીસ, પ્રણવ બાબુ!

દાયકાઓ સુધી એમણે ડાયરીમાં રોજનીશી લખવાનું કામ કર્યું. અવસાનના એક દિવસ પહેલા સુધી તેઓ લખતા રહ્યા, જે આગામી પેઢીના રાજકારણીઓ માટે ‘રેડી રેક્નર’ સાબિત થાય તો નવાઈ નહીં! એમની ભીત્તરનો જર્નલિસ્ટ ક્યારેય કચડાયો નહીં. બંગાળના એક નાનકડા ગામથી શરૂ કરેલી સફર એમને દિલ્હીના પાવર-પોલિટિક્સ સુધી ખેંચી લાવી અને એ પણ કોઈ ગોડફાધર તેમજ વાદ-વિવાદો વગર! આવા નેતા હવે આંગળીને વેઢે ગણાય એટલા જ રહ્યા છે.

પ્રણવ મુખર્જી નાનપણમાં પોતાના ગામડેથી શાળાએ જતા, ત્યારે રસ્તામાં એક નદી એમને હંમેશા પાર કરવી પડતી. ચોમાસામાં તો વળી એ નદી બે કાંઠે વહેતી! કોઈકે થોડા સમય પહેલા એમને સ્વતંત્રતાની વ્યાખ્યા પૂછી, ત્યારે એમણે કહ્યું કે, ’આ સવાલ મને નાનપણમાં પૂછાયો હોત તો મારા જવાબો જુદા હોત. ઝાઝા સ્વપ્નો નહોતા જોયા. મારા ગામડાની નદી ઉપર એક સરસ મજાનો બ્રિજ અને બે ટંકનું ભોજન મળી રહે એટલી જ મારી ખ્વાહિશ રહી હતી!’ 

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

More from LiteratureMore posts in Literature »

Comments are closed.

error: Content is protected !!