Press "Enter" to skip to content

STAR FRIDAY – મારી પહેલી પ્રેગનન્સી વખતે ‘વીરે દી વેડિંગ’ને કોઇ ઇન્સ્યોરન્સ આપવા તૈયાર નહોતું!: બેબો

‘રેફ્યુજી’ ફિલ્મને આજે વીસ વર્ષ થઈ ગયા છે. કરીના કપૂર ખાનની બોલિવૂડ કરિયર બે દાયકા વટાવી ચૂકી છે ત્યારે મુંબઈની ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં તેને ‘બોલિવૂડ ડિવા’ થી માંડીને ‘પૂહ’ જેવા અનેક ઉપનામોથી નવાજવામાં આવી. ફિલ્મ-ઉદ્યોગની સૌથી નખરાળી અને સફળત્તમ અદાકારા તરીકે તેણે રાજ કર્યુ. હાલ, ઇરફાન ખાન સાથે ‘ઇગ્લિશ મીડિયમ’, કરણ જોહરની ‘તખ્ત’, દિલજીત દોસાંજ સાથે ‘ગૂડ ન્યૂઝ’ અને એક ટેલિવિઝન શૉ કરી ચૂકેલી કરીના કપૂર ખાને વાતચીત દરમિયાન પોતાના લગ્નજીવન, ફિલ્મ-કરિયર અને તૈમુરની પેપેરાઝી પર પુષ્કળ ચર્ચા કરી.

એકતા કપૂરની ‘વીરે દી વેડિંગ’માં કરીના કપૂર ખાનનાં પાત્રને પ્રેક્ષકોએ ખૂબ વખાણ્યું હતું. પરંતુ કરીનાએ આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું કે, વાસ્તવમાં મારી પ્રેગનન્સીને લીધે ફિલ્મ અટકી પડી હતી. કોઇ કંપની ઇન્સ્યોરન્સ આપવા પણ તૈયાર નહોતી થઈ રહી, તેમને બીક હતી કે ક્યાંક ફિલ્મ ન ચાલી તો? ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં સુપર-ફ્લોપ થવાનો ડર દરેકને સતાવતો હોય છે. રેહા (સોનમ કપૂરની બહેન)ને મેં ફોન કરીને કહ્યું કે તારે કોઇ બીજી અભિનેત્રીને કાસ્ટ કરી લેવી જોઇએ. કારણકે આગામી નવ-દસ મહિના સુધી હું કદાચ કોઇ પ્રોજેક્ટ હાથ પર નહીં લઉં! પરંતુ પેલું કહે છે ને કે, દાને દાને પે લિખા હૈ.. ખાનેવાલે કા નામ! વીરે દી વેડિંગ પણ મારા માટે જ બની હતી એમ કહી શકાય. એકતા (કપૂર) અને રેહાએ મારા માટે ખાસ્સા મહિનાઓનો ઇંતેઝાર કર્યો અને ત્યારબાદ ફિલ્મની ગાડી પાટા પર ચડી. ખુશી એ વાતની છે કે ઇન્ડિયન ઓડિયન્સને આકર્ષી શકવામાં અમે સફળ પૂરવાર થયા!   મુંબઈના ગોરેગાંવ ખાતે આવેલા ફિલ્મસિટીનાં સેટ પર કરીનાની એન્ટ્રી થઈ કે તરત આખો હોલ ચિચિયારીઓથી ભરાઈ ગયો. બ્લ્યુ રંગનું ટુ-પીસ અને તદ્દન આછો મેક-અપ! ચાલીસી વટાવી ચૂકેલી અભિનેત્રી અને એક સંતાનની માતા. આમ છતાં પોતાનું ઝીરો-ફિગર જાળવી રાખવામાં કરીના કામયાબ નિવડી છે.

કરિયરનાં આ મુકામ પર ટેલિવિઝન કેમ? એ પ્રશ્નનાં જવાબમાં કરીના જણાવે છે કે, આપણે શા માટે આટલા સંકુચિત વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ? આજકાલ તો ડિજિટલ, ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરનારા કલાકારોને લગભગ એકસરખું માઇલેજ મળે છે, એમના પ્રત્યે કોઇ ઉંચ-નીચ નથી દાખવવામાં આવતી. દરેક માધ્યમની પોતપોતાની ગરિમા છે. સોશિયલ મીડિયાને કારણે તમામ માધ્યમો વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે. ડિજિટલ પ્લેટફોર્મની વાત થતી હોય ત્યારે એ કહેવું જરૂરી બની જાય છે કે, કરીના કપૂર કરણ જોહર સાથે મળીને નેટફ્લિક્સ માટે ‘પૂહ’ સીરિઝ પ્લાન કરી રહી છે. પરંતુ સીરિઝનાં ડેવલપમેન્ટ અંગે વાત કરતા તેણે જણાવ્યું હતું કે આ અંગે હજુ વાતચીત ચાલુ જ છે. કોઇ નક્કર નિર્ણય લેવાયો નથી!

છેલ્લા ઘણા વર્ષોથી કરીનાને અલગ-અલગ ટીવી શૉ માટે ઓફર થતી આવી છે, પરંતુ આજસુધી તેણે એકેય શૉ માટે હામી ન ભણી હોવા પાછળનું કારણ શું? જેના ઉત્તરમાં કરીના જણાવે છે કે, જ્યારે એક ફિલ્મ અભિનેત્રી કોઇ ટેલિવિઝન શૉ સાથે જોડાય છે ત્યારે એ ટીવી શૉ કયા લેવલનો છે એ જોવું જરૂરી બની જાય છે. સ્વાભાવિક રીતે, હું પણ આ વિચારીને જ કોઇ શૉ માટે હા નહોતી કરી રહી. પરંતુ જ્યારે ડાન્સ ઇન્ડિયા ડાન્સની ઓફર આવી ત્યારે મારી પાસે વિચારવાલાયક કશું હતું જ નહીં. હું, સૈફ તેમજ અમારો સમગ્ર પરિવાર વર્ષોથી આ શૉ જુએ છે.

તૈમુરને ડાન્સ કરવો ગમે છે કે નહીં એ વિશે વાત કરતા કરીનાએ જણાવ્યું કે, અત્યારે તો અમારા રાજકુંવરને બધું જ ગમે છે. હજુ કોઇ કરિયર અથવા શોખની બાબત નક્કી કરવા માટે તેની ઉંમર ઘણી જ નાની છે. જેમ જેમ એ મોટો થશે એમ અમને ખ્યાલ આવશે કે એનો ખરેખર રસ કયા ક્ષેત્રમાં છે! ત્યારબાદ એને જેમાં કરિયર બનાવવી હશે, અમે એને પૂરતો ટેકો આપીશું. હાલમાં એ પોતાના બાળપણને માણી રહ્યો છે. પેપેરાઝીથી પણ જોકે હવે ટેવાઈ ચૂક્યો છે. મીડિયા અને કેમેરા સામે જોઇને પોઝ આપવા માંડ્યો છે. હાથ હલાવીને એમને અભિવાદન આપવા લાગ્યો છે. હી ઈઝ ઓલરેડી અ સુપરસ્ટાર! બધા એવું કહે છે કે માતૃત્વ જેવી અદભુત અનુભૂતિ બીજી કોઇ નથી, પરંતુ હું એ વાત સાથે સહમત નથી. હું માનું છું કે માતૃત્વ એ કોઇ અનુભવ નહીં, પણ અત્યંત લાગણીશીલ બાબત છે.. જેને શબ્દોમાં વર્ણવવી શક્ય જ નથી!

થોડા મહિના પછી અમારે ઘેર ફરી એક વખત સંતાનનો જન્મ થવા જઈ રહ્યો છે. બીજી વખત મા બનવાના વિચારથી જ રોમાંચિત થઈ ઉઠું છું. તૈમુર પણ હવે એ વાતથી વાકેફ છે કે એનો ભાઈ અથવા બહેન આવવાની તૈયારીમાં છે! નવા મહેમાનને આવકારવા માટે અમારો આખો પરિવાર ખૂબ આતુર છે.

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

More from EntertainmentMore posts in Entertainment »

Comments are closed.

error: Content is protected !!